Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ચૂંટણી ટાણે પોલીસનું સઘન ચેકિંગ : દારૂના ભાવ વધ્‍યા : અછતના લીધે ઘૂસાડાઈ રહ્યો છે નકલી માલ

દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની માંગ હાલ સતત વધી છે : આવામાં બૂટલેગરો અને દારૂનો જથ્‍થો હેરાફેરી કરનારાઓની મુશ્‍કેલી વધી છે : નકલી અને મિશ્રિત જોખમી દારૂ સપ્‍લાય કરીને રૂપિયા કમાવવાના પ્રયાસો થઈ રહ્યા છે : અછતના કારણે દારૂના ભાવમાં પણ જબરજસ્‍ત વધારો થઈ રહ્યો છે

નવી દિલ્‍હી તા. ૩૦ : ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત પડી ગયા છે, ત્‍યારે મતદારોના મત વિસ્‍તારમાં ફરીને નેતાઓ તેમને પોતાની તરફી મતદાન કરવા માટે રિઝવશે બીજી તરફ પોલીસ દ્વારા પણ ચૂંટણીના નિયમો વિરૂદ્ધ કોઈ ગતિવિધિ ના થાય તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આવામાં દારૂની માંગ પર નજર રાખવા માટે ચેકપોસ્‍ટ સીલ કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ બુટલેગરો દારૂની અછતને પહોંચી વળવા માટે નગલી જીવલેણ વેપલો કરી રહ્યા છે. અછતના કારણે દારૂના ભાવમાં પણ વધારો થઈ રહ્યો હોવાની વિગતો મળી રહી છે.

રિપોર્ટ્‍સ પ્રમાણે બૂટલેગરો દારૂની અછતને પહોંચી વળવા માટે ભેળસેળ કરી રહ્યા છે અને તેઓ દારૂમાં પાણીની સાથે સ્‍પિરિટ, ઊંઘની ગોળીઓ સહિતના જોખમી કેમિકલનું પણ મિશ્રણ કરવા લાગ્‍યા છે. અછતના કારણે દારૂના ભાવમાં ૧૦થી ૩૦ ટકાનો વધારો થયો છે. દારૂના વિકલ્‍પમાં કફ સિરપની માંગમાં વધારો થતા પોલીસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણી ટાણે પોલીસના સઘન ચેકિંગના કારણે દારૂની હેરાફેરી પર ખાસ્‍સી બ્રેક લાગી છે.

ગુજરાતમાં દારૂબંધી છે ત્‍યારે પાડોશી રાજયોમાંથી દારૂ ઘૂસાડવાના પેંતરા ના થાય તે માટે શંકાસ્‍પદ વાહનોની તપાસ કર્યા બાદ જ એન્‍ટ્રી આપવામાં આવે છે. આ કારણે ગુજરાતમાં ઠલવાતો દારૂનો સપ્‍લાય ખોરવાયો છે અને ખાસ કરીને અમદાવાદમાં વિદેશી દારૂની તીવ્ર અછત સર્જાઈ રહી છે. આવામાં હવે બૂટલેગરો પણ ઉપર પોતાના કોન્‍ટેક્‍સ્‍ટ શોધીને રજૂઆતો કરી રહ્યા છે.

સઘન બંદોબસ્‍તના કારણે બૂટલેગરો દારૂની હેરાફરી છૂટથી કરી શકતા નથી, ઉચ્‍ચ પોલીસ અધિકારીની કડકાઈવાળી છાપના કારણે તેમના કામમાં અડચણ ઉભી થઈ રહી છે. એવામાં હેરાફેરી સાથે સંકળાયેલા મોટા માથા દ્વારા અધિકારીઓની કડકાઈ નરમ' કરવા માટે રજૂઆત કરી રહ્યા છે.

ગુજરાતમાં ૧લી ડિસેમ્‍બરે પહેલા તબક્કાનું અને ૫ ડિસેમ્‍બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, જે પછી ૮મી ડિસેમ્‍બરે પરિણામ જાહેર કરવામાં આવશે

(12:30 pm IST)