Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગુજરાત સરકારને મળતી કેન્દ્રીય ગ્રાન્ટમાં રૂ.3,151 કરોડનો તોતિંગ ઘટાડો

જેમાં વર્ષ 2020-21ની તુલનાએ 21-22માં ગ્રાન્ટ 12 ટકા ઓછી મળી: કેગના લેટેસ્ટ રિપોર્ટમાં ઉલ્લેખ

ગાંધીનગર:ગુજરાત સરકારને મળતી કેન્દ્રીય ગ્રાન્ટમાં રૂ.3,151 કરોડનો જંગી ઘટાડો થયો છે. જેમાં વર્ષ 2020-21ની તુલનાએ 21-22માં ગ્રાન્ટ 12% ઓછી મળી છે. કેગ’ના લેટેસ્ટ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ’19-’20ની સરખામણીએ પણ 6% ગ્રાન્ટ ઘટી છે. તેમજ ગુજરાતને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો થયો છે.

ગુજરાતને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો થયો છે. જેનો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ-‘કેગ’ના 31 માર્ચ, ’22ના રોજ પૂરા થતા વર્ષ માટેના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટ બુધવારે વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ગૃહમાં મુકાયો હતો. આ રિપોર્ટ પ્રમાણે ગુજરાત સરકારને 2021-22ના વર્ષમાં ભારત સરકાર તરફથી કુલ સહાયક અનુદાન રૂ.24,027.29 કરોડ મળ્યું હતું. જે 2020-21ના વર્ષની તુલનાએ 11.59 ટકા એટલે કે રકમમાં રૂ.3,150.70 કરોડ ઓછું હતું.

જ્યારે 2019-20ના વર્ષની સરખામણીએ આ ગ્રાન્ટ આશરે 6 ટકા અટલે કે રૂ.1,472.43 કરોડ ઓછી મળી હતી. પાછલા 2020-21ના વર્ષની તુલનાએ 2021-22માં જે રૂ.3,150.70 કરોડની કેન્દ્રીય ગ્રાન્ટ ગુજરાત સરકારને ઓછી મળી, એનું સ્પષ્ટીકરણ એવું અપાયું છે કે, મુખ્યત્વે જીએસટી કરના વળતરમાં રૂ.3,005.96 કરોડનો ઘટાડો થયો અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને અનુદાનમાં રૂ.2,014 કરોડનો ઘટાડો થયો છે. સામે કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ કેન્દ્રીય સહાય અનુદાનમાં રૂ.1,141.67 કરોડનો વધારો થયો અને રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ ભંડોળમાં ફાળા તરીકે અનુદાન હેઠળ રૂ.1,000 કરોડ મળ્યા. આ રકમો સરભર થવાને કારણે ગ્રાન્ટમાં અગાઉના વર્ષની તુલનાએ 11.59 ટકાનો ઘટાડો થયો છે.

   
(9:27 pm IST)