Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

પ્રેમસુખ ડેલું અને નિતેશ પાંડે દ્વારા ફૂલપ્રૂફ પુરાવાની સાંકળ, બચાવના દરવાજા ન ખુલ્લી શકયા

દેશ છોડી ગયેલ અન્‍ય અપરાધીઓને લાવવામાં મોટી એજન્‍સીઓ સફળ થયેલ નથી ત્‍યારે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી ભારત લાવવામાં મળેલ સફળતા પાછળનું આ છે રહસ્‍ય : દીપેન ભદ્રને જામનગર પોસ્‍ટીંગ આપવા સાથે એ.એસ.પી પદે નિતેશ પાંડે અને પીએસઆઈ ભાર્ગવ દેવમુરારીની ખાસ પસંદગી કાયદાકીય ગાળિયો તૈયાર કરવાનું પ્રથમ પગલું હતું: છેલ્લા દશ દિવસથી જામનગર એસપી અને દ્વારકા એસપી દિવસ રાત લંડન અદાલતમાં ઓનલાઇન પુરાવા પૂરા પાડવામાં જ વ્‍યસ્‍ત રહેલઃ આઈ.જી.અશોકકુમાર યાદવે પણ પૂરો સહકાર આપેલ

રાજકોટ, તા.૩૧: જામનગરના ભૂમાફિયા તરીકે પોલીસ રેકોર્ડ પર્‌ જેનું નામ ચમકી રહ્યું છે તેવા જામનગરના એડવોકેટ કિર્તીભાઇ જોષીની હત્‍યા સહિત સંખ્‍યાબંધ ગુન્‍હામાં વોન્‍ટેડ અને છેલ્લા બે વર્ષથી લંડનની જેલમાં રહેલા. જયેશ પટેલને લંડનથી ભારત લાવવામાં પ્રાથમિક તબકકે ગુજરાતને  કાનૂની જંગમાં ખૂબ મોટી સફળતા મળી છે, દેશના અનેક અપરાધીઓને લાવવામાં હજુ સફળતા મળી નથી. તેવા તબક્કે લંડન ડીસ્‍ટ્રિકટ અદાલતે લંડનથી ભારત લાવવા લીલી ઝંડી આપી છે. આ મોટી સફળતા માટે બે કાર્યદક્ષ આઇપીએસ અધિકારીઓની જહેમત રંગ લાવી છે.                  

જામનગરમાં જયેશ પટેલ સામે કાયદાકીય સકંજો કસવા માટે જે તે સમયે હાલના એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રને ખાસ જામનગર પોસ્‍ટીંગ આપવામાં આવેલ, અને તેમની ટીમમાં એ સમયે હાલના દ્વારકા એસપી નિતેશ પાંડે હાલ દ્વારકા એલસીબી પીએસઆઇ ભાર્ગવ દેવમુરારી કે જેવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચમા યશસ્‍વી કામગીરી માટે જાણીતા હતા તેમને ખાસ નિમણુક આપવામાં આવેલ. અને આ ત્રિપુટી દ્વારા જે કાયદાકીય દંડો ઊગાવવામાં આવતા જયેશ પટેલને માત્ર જામનગર નહિ ભારત છોડવા મજબૂર થવું પડેલ.                     

 દીપેન ભદ્રને બઢતી મળ્‍યા બાદ કાનૂની જંગમાં ખલેલ ન પડે તે બાબત ધ્‍યાને રાખી અમદાવાદમા ડીસીપી તરીકે અનેક ખૂંખાર અપરાધીઓની ગેર કાયદે ઇમારતો પર્‌ બુલ ડોઝર  ફેરવી બુલડોઝરના નામે જાણીતા બનેલ પ્રેમ સુખ ડેલુની પસંદગી કરવા સાથે આખી કેસ પ્રક્રિયાથી માહિતગાર આઇપીએસ નીતેશ પાંડેને બઢતી મળતા તેમને જામનગરના નજીક દ્વારકા એસપી તરીકે પોસ્‍ટીંગ આપવા સાથે પીએસઆઇ ભાર્ગવ દેવ મુરારિને ખાસ આ મિશન અંતર્ગત દ્વારકા પોસ્‍ટીંગ આપવામાં આવેલ, કાનૂની લડાઇ માટેની રણનીતિનું પ્રથમ કદમ હતું.                                         

 છેલ્લા એક વર્ષથી ચાલતા આ કાનૂની જંગમાં છેલ્લા ૧૦ થી ૧૫ દિવસ ખૂબ અગત્‍યના હતા, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને દ્વારકા એસપી નીતેશ પાંડે દ્વારા રાત દિવસ આખું ફૂલપ્રૂફ રેકોર્ડ રેડી કરી જયેશ પટેલના બચાવના તમામ દરવાજા ઓન લાઇન પુરાવા આપી બંધ કરતા હતા, આ બન્‍ને અધિકારીની મદદમાં ભાર્ગવ દેવ મુરારી પણ સક્રિય હતા.                  

લંડનમાં ભારતની જે એજન્‍સીઓ કેસ કાર્યવાહી કરતી હતી તે પણ આ બન્‍ને આઇપીએસ પર્‌ આફ્રિન પોકારી ઉઠેલા, આ એજન્‍સીઓ દ્વારા દ્વારકા એસપી નિતેશ પાંડેને તેમની પ્રથમથી અંત સુધીની કામગીરી અંગે ખાસ અભિનંદન પણ પાઠવ્‍યા હતા. આમ દેશ છોડી ગયેલ અન્‍ય અપરાધીઓને લાવવામાં મોટી એજન્‍સીઓ સફળ થયેલ નથી તેવા સમયે આ બન્‍ને આઈપીએસ અધિકારી દ્વારા જે રીતે પુરાવાની મજબૂત સાંકળ ગુથી કે તેમાંથી બચાવના કોઈ દરવાજા ખૂલવાનો અવકાશ જ ન રહ્યો.

 

(11:51 am IST)