Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

બોરસદ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે દારૂના જથ્થા સાથે બે મહિલાઓની ધરપકડ કરી

આણંદ: બોરસદ શહેરના બસ સ્ટેન્ડ નજીકથી ગત રોજ સાંજના સુમારે બોરસદ શહેર પોલીસે બે મહીલાઓને વિદેશી દારૂ તેમજ બીયરના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પોલીસે રૂા.૩૫ હજારનો વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો કબજે લઈ બંને વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ તરફથી બોરસદ તરફ આવતી એસ.ટી. બસમાં બે મહીલાઓ મીણીયાની કોથળીઓમાં વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો લઈ બોરસદ બસ સ્ટેન્ડમાં આવનાર હોવાની ગુપ્ત બાતમી બોરસદ શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ બસસ્ટેન્ડ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન બે મહીલાઓ બસ સ્ટેન્ડ બહાર બસ નીકળવાના રસ્તા ઉપર કોથળા લઈને બેઠી હતી.  જેથી શંકા જતા બોરસદ શહેર પોલીસે  બંને મહીલાઓને અટકમાં લઈ તેઓની પાસેના કોથળાની તલાશી લેતા કોથળામાંથી છૂટાછવાયા ભરેલા ભુંસાની આડમાં વિદેશી દારૂ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કોથળામાંથી મળેલ ૩૦૫ ક્વાટરીયા તેમજ ૨૪ નંગ બીયરના ટીન અંદાજિત કિં.રૂા.૩૫૦૩૫ કબજે લઈ બંને મહીલાઓના નામઠામ અંગે પૂછપરછ કરતા તે જાંબુડીબેન નારસુભાઈ માવી અને રમતુબેન ગજુભાઈ માવી (બંને. બરમખેડા માવી ફળીયું, બોરખેડા, જિ.દાહોદ) હોવાનું જણાવ્યું હતું.

(6:49 pm IST)