Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હવે ધોરણ -10ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માંગ ઉઠી

ઓલ ગુજરાત વાલી મંડળ આવતીકાલે સોમવારે શિક્ષણમંત્રીને રજૂઆત કરશે

અમદાવાદ : કોરોનાના કપરાકાળના કારણે શૈક્ષણિક કાર્યને ભારે નુકસાન થયું છે. નેટના પ્રશ્નો તથા અન્ય કારણોસર અંતરિયાળ વિસ્તારમાં રહેતાં દરેક વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવું દુષ્કર હોવાની હકીકતો સામાજિક સંગઠનો દ્રારા થયેલા સર્વેમાં પ્રકાશમાં આવી છે. બીજી તરફ કોરોનાના કારણે ઓફલાઇન પરીક્ષા લેવી પણ અઘરી બાબત હતી. આમ તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા ધો.1થી 11 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથોસાથ ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરી હતી. તાજેતરમાં ધો.12ની પરીક્ષાની જાહેરાત સાથે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું પણ સરકારે જાહેર કર્યું છે. આ નિર્ણયના પગલે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માંગ ઉઠી છે. આ માંગણીને લઇને જ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ આવતીકાલે તા.31મી મેના રોજ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાને મળીને રજૂઆત કરશે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે, વર્ષ 2020 માં કુલ 8.40 લાખ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધો. 10માં ભણતા વિદ્યાર્થીઓએ 5 થી 17 માર્ચ 2020 વચ્ચે પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપનારા તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી નાપાસ થયેલા હોય તેવા રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓ એક, બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે. પણ તેમણે ધો. 10માં આખું વર્ષ શાળા કક્ષાએ અભ્યાસ કરેલ છે અને શાળા કક્ષાએ પરીક્ષા આપેલી છે. તે લોકો પણ માસપ્રમોશન થકી આગળ જવા હકદાર છે. કારણ કે તેઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન રેગ્યુલર અભ્યાસ કર્યો છે પરંતુ ખૂબ ઓછા ગુણ માટે નાપાસ થયેલા છે તેથી આવા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઇએ.

આ અંગે આવતીકાલે 31 મેના રોજ સોમવારે અમે ઓલ ગુજરાત વાલી મંડળના હોદ્દેદારો રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા જવાના છીએ. અને તેમની સમક્ષ અમે આવા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા રજૂઆત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઓલ ગુજરાત વાલી મંડળ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પણ ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ તેવી માંગણી છે

(11:35 pm IST)