Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને 35 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી ફુલીફાલી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે ખોરજ ખોડીયાર રેલ્વે સ્ટેશનમાં મકાન આગળ દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતાં છ શખ્સોને ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૩પ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ભેગા થવા બદલ જાહેરનામાં ભંગ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોરોનાના સંક્રમણ વચ્ચે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી નોંધપાત્ર રીતે વધી રહી છે ત્યારે આવી સ્થિતિમાં પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પણ પાડી રહી છે. ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ખોરજના ખોડીયાર રેલ્વે સ્ટેશન પાસે રમેશભાઈ ચંદુભાઈ સલાટના ઘર આગળ કેટલાક ઈસમો એકઠા થઈને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં સતીષ બળદેવભાઈ પટેલ રહે.અંબીકાનગર ખોરજ, રાકેશ લાલજીભાઈ સોલંકી રહે.મેમ્કો, આંબેડકરનગર, ભોલુ પન્નાલાલ ચૌહાણ રહે.સંતોષીનગરની ચાલી મેઘાણીનગરની ચાલી અમદાવાદ, આકાશ ગુલાબસિંહ જાદવ રહે.ઓમકારનગરની ચાલી મેઘાણીનગર અને ખોડીયાર રેલ્વે સ્ટેશન પાસે રહેતાં અશોક ચંદુભાઈ સલાટ અને રમેશ ચંદુભાઈ સલાટને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૩પ૧૮૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી અને આ જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોના કાળમાં ભેગા થઈ જુગાર રમવા બદલ જાહેરનામાં ભંગનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(6:09 pm IST)