Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મહેસાણાના વિસનગરમાં એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવી તસ્કરોએ 17.52 લાખની રકમની ચોરી કરતા અરેરાટી

મહેસાણા:શહેરમાં વિસનગર રોડ પર જીઈબી કચેરી સામે આવેલા એકસિસ બેંકના એટીએમને પરોઢીયાના સુમારે અજાણ્યા શખસોએ નિશાન બનાવ્યું હતું. એટીએમ મશીનને ગેસ કટરથી કાપી નાંખીને અંદરથી રૃ.૧૭.૫૨ લાખની રકમની ચોરી કરી હતી. ત્યારબાદ મશીનને સળગાવીને ત્યાંથી નાસી છુટયા હતા. આ ઘટનાને પગલે પોલીસે તપાસ આરંભીને આરોપીઓનું પગેરૃ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. ઠંડીનો ચમકારો વધતાં નિશાચરોની સિઝન ખુલી હોય તેમ મહેસાણા જિલ્લા પંથકમાં ચોરીઓની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો હોવાથી નાઈટ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો સર્જાયા છે.જેમાં મહેસાણા શહેરમાં વિસનગર રોડ પર જીઈબી કચેરી સામે આવેલા એકસિસ બેંકના એટીએમમાં ખાતર પાડીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો છે.આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણા જીઈબી કચેરી સામે આવેલા એકસિસ બેંકના એટીએમમાં ગુરૃવારે પરોઢીયાના અઢીથી ત્રણના સમયગાળામાં અજાણ્યા શખસોએ પ્રવેશ કર્યો હતો.તેમણે ગેસ કટરથી એટીએમ મશીનને કાપીને અંદર પડેલા રૃ.૧૭.૫૨ લાખની રકમની ઉંઠાંતરી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ આ એટીએમ મશીનને આગ ચાંપી દેતાં રૃમમાં મુકવામાં આવેલ એસી, સીસીટીવી કેમેરા,મશીન સહિત રૃ.ચાર લાખનો નુકશાન થયું હતું. આ અંગે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બેંક કર્મચારી અમિત પ્રમોદ બિહારીલાલે મહેસાણા એ ડીવિજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

(6:07 pm IST)