Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એપલની વોચના કારણોસર અકસ્માતમાં યુવકનો જીવ બચી ગયો હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ તરફ આગળ વધી રહ્યુ છે. દિવસેને દિવસે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે. પહેલા જ્યારે ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો ત્યારે લોકોને નાની-નાની કામગીરી માટે કલાકો સુધી સમય વેદફવો પડતો હતો પરંતુ હવે ટેકનોલોજીનો વિકાસ થતાં જ વ્યક્તિના ઘણા કામો ચપટી વગાડતાં જ થઈ જાય છે. ત્યારે ટેકનોલોજીના કારણે એક બાઇક ચાલકનો જીવ બચ્યો છે. આ ઘટના સિંગાપોરની છે કે, જ્યાં એપલની સ્માર્ટ વોચ એક 24 વર્ષના યુવકનો જીવ બચાવ્યો છે.

રિપોર્ટ અનુસાર 24 વર્ષના મોહમ્મદની બાઈકનો અકસ્માત એક વેનની સાથે થયો હતો આ અકસ્માતમાં મોહમ્મદ બેભાન થઈ ગયો હતો. તે જમીન પર ઢળી પડ્યો હતો, તે કોઈપણ પ્રકારની હલનચલન કરી શકતો ન હતો. મોહમ્મદના શરીરમાં કોઈપણ પ્રકારની હલનચલન ન થવાના કારણે તેને પહેરી એપલની સ્માર્ટ વોચે ઇમર્જન્સી સર્વિસ અને મોહમ્મદના કોન્ટેક નંબર પર મોહંમદનું એક્સિડન્ટ થયું હોવાની માહિતી આપી હતી. એપલની સ્માર્ટ વોચે મોહમ્મદના મોબાઈલમાં રહેલા કોન્ટેકને મોહમ્મદનું એક્સિડન્ટ થયુ હોવાની માહિતી આપવાની સાથે-સાથે તેનું લાઈવ લોકેશન પણ મોકલ્યું હતું. અકસ્માતની માહિતી ઇમરજન્સી સર્વિસને મળતા જ મોહમ્મદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ મોહમ્મદનો જીવ બચાવનારી એપલની સ્માર્ટ વોચનો આભાર માન્યો હતો.

(5:32 pm IST)