Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

તુર્કીમાં હિમવર્ષા થતા 2600 ફ્લાઇટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: હાલ તૂર્કી હિમવર્ષાથી બેહાલ છે. ખાસ કરીને પૂર્વોત્તર અને ઉત્તરી ક્ષેત્રમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ કારણસર અહીંના પાંચ પ્રાંતનું જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાને પગલે સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવાઈ છે. અંતરિયાળ વિસ્તારો તો હિમવર્ષા અને તોફાની પવનોના કારણે મુખ્ય માર્ગોથી કપાઈ ગયા છે. જોકે, યુરોપના બીજા દેશોમાં તાપમાન સામાન્યથી થોડું વધુ છે. યુરોપના 51 દેશમાં ફક્ત 13 દેશમાં જ પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન છે. સૌથી વધુ ઠંડી રશિયાની રાજધાની મોસ્કોમાં છે, જ્યાં માઈનસ સાત ડિગ્રી ઠંડી છે. રાજધાની વૉશિંગ્ટન અને ન્યૂયોર્કમાં પારો શૂન્ય નજીક છે. ઉત્તર અમેરિકાનાં 459 શહેરમાંથી 100થી વધુમાં તાપમાન શૂન્યથી નીચે છે. આ દરમિયાન ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ મનાવીને પાછા ફરી રહેલા લોકોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે, ખરાબ હવામાનને પગલે અમેરિકામાં 2650 ફ્લાઈટ રદ થઈ છે. આ પહેલાં 2700 ફ્લાઈટ રદ થઈ હતી. અલાબામા, વર્જિનિયા અને મેરીલેન્ડમાં તો બરફનાં તોફાનની ચેતવણી અપાઈ છે.

અમેરિકાના કોલોરાડોનાં જંગલોમાં આગ લાગવાથી એક સપ્તાહમાં બે શહેરના એક હજારથી વધુ મકાન ખાક થઈ ગયાં હતાં, જ્યારે 30 હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. હવે અહીં હિમવર્ષાથી લોકોના હાલ ખરાબ છે. હવામાન વિભાગના મતે, અત્યાર સુધી કોલોરાડોમાં 12.7 સે.મી. બરફ પડ્યો છે અને તાપમાન શૂન્યથી નીચે છે.

 

(5:51 pm IST)