Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

અફઘાનિસ્તાનમાં પિતાએ નવ વર્ષની બાળકીને 55 વર્ષના આધેડને વેચી દેતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: તાલિબાનના શાસન બાદ અફઘાનિસ્તાનમાં ભુખમરાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. લોકો પાસે ખાવા અનાજ નથી, આર્થિક પરિસ્થિતિ એટલી કથળી રહી છે કે માતા પિતા પોતાના સંતાનોને વેચવા માટે મજબૂર થયા છે. આશ્ચર્યની વાત એ છે કે કેટલાક માતા પિતા પોતાની બાળકીઓને લગ્ન માટે વૃદ્ધોને પણ વેચી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં માત્ર નવ વર્ષની બાળકીને ૫૫ વર્ષના એક પુરુષને વેચી દેવામાં આવી હતી. પિતાએ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આ નિર્ણય લીધો હતો, આ સમગ્ર ઘટના બાદ સૌ કોઇનું ધ્યાન અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર છે. સીએનએનના રિપોર્ટ અનુસાર નવ વર્ષની બાળકી પરવાના મલિકના પરિવારમાં આઠ લોકો છે. હાલ પરિવાર પાસે ગુજરાન ચલાવવા માટે પૈસા નથી. અનાજ પણ ખાલી થઇ ગયું છે. જ્યારે અન્ય કોઇ પણ ખરીદી કરવા માટે નાણા નથી. જેને પગલે આ બાળકીને તેના પિતાએ ૫૫ વર્ષના એક શખ્સને વેચી દીધી હતી. જોકે આ ૫૫ વર્ષના શખ્સે તેને પોતાની પુત્રી તરીકે નહીં પણ પોતાની પત્ની બનાવવા માટે ખરીદી હતી. જેને પગલે જ્યારે બાળકીને આ શખ્સને સોપવામાં આવી ત્યારે તેના પિતાએ આ શખ્સને કહ્યું હતું કે મારી બાળકીને મારતા નહીં કેમ કે તે તમારી પત્ની છે. 

 

(6:58 pm IST)