Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

૯ વર્ષના બાળક જેટલો દેખાય છે આ ૧૯ વર્ષનો યુવક

હસબુલ્લા ૧૯ વર્ષનો છે પરંતુ દેખાવમાં તે ૯ વર્ષના બાળક કરતાં નાનો દેખાય છે

મોસ્કો,તા. ૬: દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની ઊંચાઈ સામાન્ય લોકોની ઊંચાઈ જેટલી નથી વધી શકતી. ઘણીવાર આવા લોકો પોતાની ઊંચાઈને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. ઘણી વખત તો લોકોને અજીબોગરીબ બીમારીઓ પણ થઈ જાય છે જેને લીધે તેમની લંબાઈ ઓછી રહી જાય છે.પરંતુ આજે અમે તમને એક એવા વ્યકિત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર કદમાં જ નહીં, પરંતુ દેખાવમાં પણ નાના બાળક જેવો દેખાય છે. જે કોઈ તેને જુએ છે તે તેને બાળક જ માને છે. આ 'બાળક' સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે.

ડેગિસ્તાનમાં રહેતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હસબુલ્લા મેગોએમેદોવ માત્ર રશિયા માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હસબુલ્લાના ફેમસ હોવાનું સૌથી મોટું કારણ છે તેનો દેખાવ. તમને જાણીને નવાઈ લાગશે કે હસબુલ્લા ૧૯ વર્ષનો છે પરંતુ દેખાવમાં તે ૯ વર્ષના બાળક કરતાં નાનો દેખાય છે.

તેને પહેલીવાર જોઈને લોકોને તેના પર પ્રેમ આવવા લાગે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની દબંગગીરી માટે ફેમસ એવા હસબુલ્લા વિશે જયારે કોઈ સંપૂર્ણપણે જાણવાનું શરૂ કરે છે, ત્યારે તે દંગ રહી જાય છે. હસબુલ્લાના શરીરમાં ગ્રોથ હોર્મોન્સની ઉણપ છે. તેથી જ તેનું શરીર કોઈ બાળકના શરીર જેવું લાગે છે.

હસબુલ્લાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. કયારેક તે જીમમાં પરસેવો પાડતો જોવા મળે છે તો કયારેક તે રેસલિંગ મેચની મજા લેતો જોવા મળે છે. પરંતુ આ વખતે હસબુલ્લા એક અલગ જ કારણસર ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારબાદ ઈન્સ્ટાગ્રામે તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.

મહિલાએ સોશિયલ મીડિયા પર હસબુલ્લાની બહેન સાથે જોડાયેલો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે પછી તેણે ધમકી આપી અને કહ્યું- આ મહિલાએ મારી બહેનનો વીડિયો આખા ઈન્સ્ટાગ્રામને બતાવવા માટે શેર કર્યો છે. જો તે આખા સોશિયલ મીડિયાની માફી નહીં માંગે તો હું તેને જીવતી નહીં છોડું. જયારથી વિવાદ વધ્યો ત્યારથી તેણે સ્પષ્ટતા કરી કે તેણે ધમકી આપી છે પરંતુ તેનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામે બ્લોક કર્યું નથી. તેણે પોતે જ પોતાનું એકાઉન્ટ થોડા દિવસો માટે બ્લોક કરી દીધું છે.

(10:04 am IST)