Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બેલ્જીયમના પ્રાણી સંગ્રહાલયમાં બે હિપોપેટેમસમા જોવા મળ્યા કોરોના વાયરસના લક્ષણ

નવી દિલ્હી: બેલ્જિયમના એન્ટવર્પ પ્રાણી સંગ્રહાલયમાં બે હિપોપોટેમસને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ઝૂ ના કર્મચારીઓએ જણાવ્યું કે 14 વર્ષના હિપોપોટેમસ ઇમામી અને 41 વર્ષીય હિપોપોટેમસ હર્મિયનને કોરોના વાયરસના સામાન્ય લક્ષણ છે, પરંતુ સાવધાનીના ભાગરૂપે બંને હિપ્પોને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. બેલ્જિયમના એન્ટવર્પ ઝૂ ના વેટરનરી ડોક્ટર ફ્રાંસિસ વર્કેમમેને કહ્યું કે વિશ્વભરમાં આ વાયરસથી વાંદરા અને બિલાડીઓ ચેપગ્રસ્ત થયાની માહિતી પહેલા મળી હતી, પરંતુ તેમની જાણકારીમાં આ પ્રજાતિમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવો પ્રથમ કેસ છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો ચેપ પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાયો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે, આ વાયરસનો ચેપ મનુષ્યોમાંથી પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે. ઝૂ વહીવટીતંત્ર હાલ ચેપના કારણોની તપાસ કરી રહ્યું છે. છેલ્લા દિવસોમાં ઝૂના કોઈ કર્મચારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી. ઝૂના દરવાજા બંધ કરવામાં આવ્યા છે અને સૌપ્રથમ હિપોપોટેમસને વાયરસમુક્ત કરવા જરુરી છે. આ દરમિયાન ઝૂમાં આકરા પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. આ સપ્તાહના આરંભમાં કેનેડામાં પણ પુષ્ટિ થઈ હતી કે ત્રણ હરણોના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા - કેનેડાના વન્યજીવોમાં આ પ્રકારના ચેપનો પહેલીવાર કેસ નોંધાયો છે.

 

(5:46 pm IST)