Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ન્યુયોર્કમાં લોકો 1 કરોડથી પણ વધારે ઉંદરોથી છે પરેશાન

નવી દિલ્હી: ન્યૂયોર્કમાં ૧ કરોડ કરતા પણ વધારે ઉંદર છે.  છેલ્લા ૨ વર્ષમાં ઉંદરોની સંખ્યામાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે.  ન્યૂયોર્કના સ્થાનિક તંત્રએ ઉંદર પકડવા માટે ડૉગ સ્કવોર્ડ તૈયાર કરી છે. તાલીમ પામેલા ડૉગ ઉંદર જોઇને સીધો હુમલો જ કરી દે છે. કચરાના ઢગલા, બાંધકામના કાટમાળ અને ઝાડીઓમાંથી ઉંદરોને બહાર કાઢે છે. દુનિયામાં સૌથી મોંઘું ગણાતું અમેરિકાનું ન્યૂયોર્ક શહેર એક જુદા જ પ્રકારની આફતમાં ઘેરાયું છે. કોરોનાની પીડા ભોગવ્યા પછી હવે ઉંદરો સતાવવા લાગ્યા છે. એક માહિતી અનુસાર ન્યૂયોર્ક શહેરમાં ઉંદરની વસ્તી ૮૦ લાખ જેટલી હતી જે વધીને ૧ કરોડને વટાવી ગઇ છે. શેરીઓમાં, ગટરોમાં, રેઢી ઇમારતોમાં, બગીચાઓમાં,સબવેમાં,જૂતાની દુકાનોમાં અને રેસ્ટોરન્ટસમાં ઉંદર નજરે ચડી જાય છે. છેલ્લા ૨ વર્ષમાં ઉંદરની સંખ્યામાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે કોરાના સમયે કોર્મશિયલ કોમ્પલેક્ષ અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર બંધ જેવી સ્થિતિમાં રહેવાથી ભૂખ્યા ઉંદરો શહેરના રહેણાંક વિસ્તારો તરફ આવવા શરુ થયા હતા. ન્યૂયોર્કના રુંવાટીવાળા ઉંદર આમ તો દુનિયામાં કુખ્યાત છે. આ સમસ્યા નવી છે એવું પણ નથી પરંતુ છેલ્લા એક વર્ષથી લોકો ખૂબ ત્રાહિમામ પોકારી ગયા છે. જો ઉંદરની આવી રીતે વસ્તી વધતી જશે તો શહેરમાં માણસ કરતા ઉંદર વધારે રહેતા હશે. 

(5:24 pm IST)