Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

બાળકોને જન્મ આપવાના બદલે માતાપિતા પાલતુ પ્રાણીને પાળીને માતા-પિતા બને છે

નવી દિલ્હી: ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું કહેવું છે કે દુનિયાભરમાં સાંસ્કૃતિક મૂલ્યોનો ધોવાણ થઇ રહ્યું છે. ઘણા પરિણીત યુગલો બાળકો પેદા નથી કરતાં અને કૂતરાં-બિલાડાં પાળી રહ્યાં છે. પાલતુ પ્રાણીઓને પાળીને તેઓ પોતાને પેરન્ટ્સ સમજી રહ્યા છે પણ તે સ્વાર્થીપણું છે. વેટિકનમાં પોતાના વક્તવ્યમાં પોપે કહ્યું કે પાલતુ પ્રાણીઓ પાળતા લોકો પોતે માતા-પિતા બની ચૂક્યાં હોવાના ભ્રમમાં રાચે છે પરંતુ આ ટ્રેન્ડના કારણે વિશ્વભરમાં જન્મદર ઘટી રહ્યો છે. લોકો માનવતાથી પણ દૂર જઇ રહ્યા છે. આજકાલનાં કપલ્સ બાળકો પેદા જ નથી કરતાં કે પછી એક જ બાળક પેદા કરે છે જ્યારે બે-બે કૂતરાં, બિલાડી કે અન્ય પાલતુ પ્રાણી પાળીને પોતાને પેરન્ટ્સ સમજવા માંડે છે. પાલતુ પ્રાણીને પાળીને તમે તેમની સાથે ભાવનાત્મક સંબંધ તો બાંધી લે છે પણ માતા-પિતા અને સંતાન વચ્ચેના સંબંધથી વંચિત રહી જાય છે. ઇટાલીમાં ઘટતા જન્મદર તરફ ઇશારો કરતા પોપે કહ્યું કે સંતાનો જ નહીં હોય તો તમે ઘરડા થશો ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે? વરિષ્ઠ નાગરિકોના પેન્શન માટે ટેક્સ કોણ ભરશે? બીજી તરફ પોપની આ ટિપ્પણીનો કેટલાક એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન્સે વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે પાલતુ પ્રાણીઓનું જીવન પણ મહત્ત્વનું હોય છે. આપણે બધાના જીવનને મહત્વનું માનવું જોઇએ.

 

(6:29 pm IST)