Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

ડેનમાર્કમાં મળી આવ્યું જમીનથી 60 મિટર નીચે શીતયુધ્ધનાં સમયનું બંકર

નવી દિલ્હી: ડેન્માર્કમાં શીત યુધ્ધના જમાનાનું પરમાણુ પ્રતિરોધી બંકર જાહેર જનતા માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. જો કે હવે તે બંકર સ્વરુપે નહી પરંતુ એક મ્યુઝિયમ સ્વરુપે છે. શીતયુધ્ધના સ્મારક સમા આ બંકરમાં સ્થાનિક લોકો અને વિદેશી આગંતુકોને તેના ઇતિહાસથી વાકેફ કરવામાં આવશે. સ્વાગત કક્ષ, પ્રદર્શની ભવન, ટિકિટબારી અને કેફે ઉપરાંત જીજ્ઞાસુ બાળકો માટે એક લર્નિગ સેંન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. બંકરની રચના એકદમ સુવિધાજનક ઘર જેવી હતી. કેટલાય સપ્તાહો સુધી બહારના સંપર્કમાં રહયા વિના રહી શકાય તેટલી જીવન જરુરીયાતની વસ્તુઓનો સ્ટોક પણ હતો. પ્રસારણ સ્ટુડિયો, કિચનરુમ, કલીનિક, એન્જિન રુમ અને સ્ટોરેજ રુમ વગેરેનો સમાવેશ થતો હતો. આ રુમોમાં હજુ પણ તેના મૂળ ફર્નિચરને જાળવી રાખવામાં આવ્યું છે. કુલ ૩૫૦ લોકો રહી શકે તેટલી બંકરમાં વ્યવસ્થા હતી. બંકરમાં પ્રવેશતા મુલાકાતીઓ ટાઇમ કેપ્સૂલનો અનુભવ કરતા હોય તેમ લાગે છે. બંકરમાં પ્રદર્શની જેવા આવેલા આગંતુક ૯૦ મીનિટ સુધીમાં બે કિલોમીટર જેટલું ફરી શકશે. બંકરનો હજુ પણ ૪૦ ટકા જેટલો હિસ્સો યથાવત રાખવામાં આવ્યો છે. ખાસ ઉદ્દેશથી તૈયાર કરવામાં આવતા બંકરમાં રહેવાનો અને જાણવાનો લાભ આમ જનતાને મળતો નથી આથી મ્યુઝિયમ સ્વરુપે તૈયાર થયેલું ૫૫૦૦ વર્ગ મીટરમાં વિસ્તરેલું બંકર લોકોને આકર્ષી રહયું છે. સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે શીતયુધ્ધ ચાલતું હતું ત્યારે દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. શીતયુધ્ધના ભયના ઓથાર હેઠળ પરમાણુ યુધ્ધની શકયતા જોતા ડેન્માર્કમાં ૧૯૬૮માં રોલ્ડ સ્કોવમાં ચાક પહાડથી ૬૦ મીટર નીચે રેગાન વેસ્ટ નામનું આ બંકર બનાવાયું હતું. પરમાણુ હુમલા સામે પ્રતિરોધક્ષમતા ધરાવતા આ બંકરમાં રાજ પરીવાર, સરકાર અને તેમના મુખ્ય લોકો સુરક્ષિત રહી શકે તેવો હેતું હતો.

(6:12 pm IST)