Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

V

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ભાગ્યે જ થતી ભારેથી અતિ ભારે વર્ષાએ દેશની નદીઓને ગાંડીતૂર બનાવી દીધી છે એમાં ય મહાનદી સિંધુમાં તો પ્રચંડ પૂરો આપ્યાં છે તેથી દક્ષિણ સિંધમાં રહેલા પ્રાચીન યુગના મોહન-જો-ડેરો (મોંહે-જો-દેરો)ના અવશેષો ઉપર આ પૂરોનો ભય તોળાઈ રહ્યા છે, છતાં તે મહાન સંસ્કૃતિના અવશેષો પૂરોની સામે ટક્કરો લઈ રહ્યા છે અને આ ૪,૫૦૦ વર્ષ પ્રાચીન સંસ્કૃતિ અસામાન્ય પૂરો સામે અસમાન્ય હિંમતથી અડીખમ ઉભી રહી છે.તે સર્વવિદિત છે કે આ પુરા પ્રાચીન સંસ્કૃતિને યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં સ્થાન આપ્યું છે અને દ. એશિયામાં આ સૌથી વધુ સચવાયેલું સ્થળ છે. ૧૯૨૨માં સક્કર બેરેજથી કરાચી સુધીની રેલવે લાઇન પાથરવા માટે આ સ્થળે રહેલો એક વિશાળ લાંબો ટીંબો ખોદતા ઇજનેર સર જ્હોન માર્શલ તે ટીંબા નીચે પથરાયેલી આ અદ્ભુત સંસ્કૃતિ જોઈ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા તે સમયે નજીકમાં જ સંશોધન કરી રહેલા ડૉ. બેનર્જીને બોલાવ્યા તેઓએ આ સંસ્કૃતિ ૪,૫૦૦ વર્ષ પૂર્વેની હોવાનું જણાવતા ભારતની (તે સમયે અખંડ ભારતની) સંસ્કૃતિ ઇજીપ્ત અને મેસોપોટેમિયાની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઉભી રહી. પાકિસ્તાનના પ્રચંડ પૂરોમાં ઓછામાં  ઓછા ૧,૩૪૩ના મૃત્યુ થયા છે અને લાખો લોકો બેઘર બની ગયા છે. આ માટે વિજ્ઞાાનીઓ ઋતુ પરિવર્તનનું કારણ આપે છે. આ પૂરોને લીધે ઓછામાં ઓછા ૩ કરોડ ૩૦ લાખ લોકો અસરગ્રસ્ત છે. ૧૦ અબજ ડોલરથી પણ દેશને વધુ નુકસાન થયું છે યુનોના મહામંત્રી ગુટેરેસ પાકિસ્તાનના લોકોને આશ્વસ્ત કરવા આજે પાકિસ્તાન પહોંચી ગયા છે. મોંહે-જો-દેરોની વાત કરીએ તો આ પુરોએ તેને સીધી અસર કરી નથી પરંતુ અસામાન્ય વર્ષાને લીધે તે અવશેષોને ભારે નુકસાન કર્યું છે તેમ તે સાઇટના ક્યુરેટર અહેસાન અબ્બાસીએ પત્રકારોને જણાવ્યું છે. તેઓએ કહ્યું આશરે ૫,૦૦૦ વર્ષ પૂર્વે બંધાયેલી કેટલીયે મોટી દીવાલો વરસાદને લીધે પડી ગઈ છે. આથી કોડીબંધ કામદારો, પુરાતત્ત્વવિદોના માર્ગદર્શન નીચે રીપેર-કામ કરી રહ્યા છે. જો કે, આથી કેટલું નુકસાન થયું છે. તેનો કોઈ અંદાજ અબ્બાસીએ આપ્યો ન હતો.

(5:31 pm IST)