Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પૂર્વીય યુક્રેન પર રશિયાએ જમીન સહીત હવાઈ મિસાઈલ હુમલામાં કર્યો વધારો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય દબાણ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં યુક્રેન પર રશિયાનું આક્રમણ વધી રહ્યું છે. કીવ પર કબજો કરવામાં નિષ્ફળ ગયેલા રશિયાએ હવે પૂર્વીય યુક્રેન તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ત્યારે રવિવારે રશિયન સૈન્યે યુક્રેનના ચોથા સૌથી મોટા શહેર ડીનિપ્રોના એરપોર્ટ પર મિસાઈલ હુમલો કર્યો હતો. વધુમાં રશિયન દળોએ ખારકીવ અને દક્ષિણી પોર્ટ સિટી મારિયુપોલ પર જમીની અને હવાઈ હુમલા વધાર્યા હતા. બીજીબાજુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પૂર્વીય યુક્રેનમાં રશિયા દ્વારા વધુ ઘાતક હુમલાઓના પગલે નાગરિકોને તાત્કાલિક અસરથી તે વિસ્તાર ખાલી કરવા નિર્દેશો આપ્યા છે. રશિયન સૈન્યે જણાવ્યું હતું કે તેના હવાઈ મિસાઈલ હુમલાએ બે સ્થળો પર યુક્રેનની એસ-૩૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તોડી પાડી હતી જ્યારે દરિયામાંથી છોડાયેલા મિસાઈલોએ ડીનિપ્રો પ્રાંતમાં યુક્રેનના યુનિટના મુખ્યાલયોનો નાશ કરી દીધો હતો. રશિયાએ અઝોવ સમુદ્રમાંથી મારિયુપોલ બંદર પર મિસાઈલથી હુમલો કરતાં નાગરિકોને સલામત રીતે બહાર કાઢવાનો માનવ કોરીડોર તૂટી પડયો હતો, જેથી નાગરિકો માટે શહેર છોડવું મુશ્કેલ બની ગયું હતું. બ્રિટિશ સંરક્ષણ સૂત્રોએ દાવો કર્યો હતો કે, મારિયુપોલમાં અંદાજે ૧.૬૦ લાખ નાગરિકો ફસાયેલા છે.

(6:44 pm IST)