Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વિકીલિકસ ફેઈમ જુલીયન અસાંજે બેલમાર્શ જેલમાં સ્ટેલા મોરીસ સાથે લગ્ન કરશે

૨૦૧૯થી લંડનની બેલમાર્શ જેલમાં બંધ અસાંજેને તેની પાર્ટનર સ્ટેલા મોરીસ સાથે લગ્ન કરવા પરવાનગી અપાઈઃ દંપતિને બે બાળકો પણ છેઃ ટ્વીટર પર સ્ટેલા મોરીસે આપી જાણકારી

લંડન, તા. ૧૨ :. જેલમાં બંધ વિકીલિકસના વડા જુલીયન અસાંજેના લગ્ન ઉચ્ચ સુરક્ષા હેઠળ રહેલી બેલમાર્શ જેલમાં તેની મંગેતર સ્ટેલા મોરીસ સાથે થશે. આ માહિતી સ્ટેલા મોરીસે ટ્વીટર પર આપી જણાવ્યુ હતુ કે, 'હવે મને રાહત છે, મને આશા છે કે અમારા લગ્નમાં હવે કોઈ દખલ નહિ થાય'. જૂલીયન અસાંજેને જેલમાં તેની પાર્ટનર સ્ટેલા મોરીસ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી છે. વિકીલિકસના સ્થાપકને યુનાઈટેડ સ્ટેટસે તેના પ્રત્યાર્પણ માટે કાનૂની કાર્યવાહી બાદ ૨૦૧૯થી લંડનની બેલમાર્શ જેલમાં રાખવામાં આવ્યા છે.

અસાંજે લંડનમાં એકવાડોર દુતાવાસમાં રહેતા હતા ત્યારે આ પ્રેમી યુગલ મળ્યુ હતુ. દંપતિને બે બાળકો છે. જેલ પ્રવકતાએ કહ્યુ કે, અસાંજેની અરજી ઉપર જેલના સામાન્ય કેદીની માફક જેલ ગવર્નર દ્વારા વિચારણા કરી પ્રક્રિયા કરવામાં આવી હતી.

ઓસી યુગલ લંડન જેલના ચેપલમાં કેથોલીક લગ્ન કરે તેવી શકયતા છે. આ લગ્નમાં અસાંજેના સાથી કેદીઓ મહેમાન બનશે. ઓસ્ટ્રેલીયન નાગરીક મી. અસાંજેએ એકવાડોર દુતાવાસમા ૫ વર્ષ ગાળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વિકીલિકસની પ્રવૃતિઓની પૂછપરછ માટે તેને યુએસએ લઈ જવાય તેવો ડર હોવાના કારણે એકવાડોરમાં તેણે રાજકીય આશ્રય માંગ્યો હતો. યુએસ દ્વારા લાંબો કાનૂની કેસ ચલાવવામાં આવ્યો ત્યારે તેને બેલમાર્શ જેલમાં રાખવામાં આવ્યો હતો.

જાન્યુઆરીમાં એક ન્યાયાધીશે અસાંજેનું પ્રત્યાર્પણ કરવાની યુએસની માંગણીને નકારી કાઢી હતી પરંતુ એક અપીલ દાખલ કરવામાં આવી હતી જેનો ચુકાદો બાકી છે. અસાંજેની લગ્ન તારીખ હજુ નક્કી થઈ નથી. આ યુગલની સગાઈ ઘણા વર્ષોથી થઈ ગઈ હતી અને કાયદાકીય કાર્યવાહીથી લગ્નનોે પ્રયાસ કરી રહ્યા હતા. તેમના પુત્રો ગેબ્રીયલ અને મેકસ બ્રિટીશ નાગરીક છે. જેલના ગવર્નર અને ન્યાય સચિવ ડોમેનિક રાબ તેમના લગ્ન અટકાવી રહ્યાનો આરોપ દંપતિએ અગાઉ લગાવ્યો હતો.

(3:06 pm IST)