Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અલ સાલ્વાડોરમાં અકસ્માતે પણ ગર્ભપાત થઇ જાય તો ભોગવવી પડે છે સજા

નવી દિલ્હી: સાલ્વાડોરમાં એબોર્શનને લગતાં કડક કાયદા બનાવાયા છે. તેના કારણે અકસ્માતે પણ જો મહિલાને એબોર્શન થઈ જાય તો સજા ભોગવવી પડે છે. કાયદા હળવા કરવાની માગ ઉઠી છે.

અલ સાલ્વાડોરમાં સારા રોગેલ ગાર્સિયા નામની એક 20 વર્ષની ગર્ભવતી યુવતીનો પગ લપસી ગયો હતો. અકસ્માતમાં તેના પેટમાં બાળકનું મોત થઈ ગયું હતું. મહિલાને હોસ્પિટલમાં સારવાર અપાઈ અને તે ભાનમાં આવી કે તરત તેને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. અલ સાલ્વાડોરમાં એબોર્શનના કાયદા બહુ કડક હોવાથી મહિલા પર કેસ ચાલ્યો હતો અને તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. એબોર્શનને હત્યા ગણીને કેસ ચલાવવામાં આવે છે. જોકે, મહિલાને 9 વર્ષની કેદ પછી છોડી મૂકવામાં આવી હતી.

2012માં સજા પામેલી યુવતીએ હવે જેલમાંથી મુક્ત થયા પછી એબોર્શનના કાયદા હળવા કરવાની ઝુંબેશ ચલાવી છે. વુમેન રાઈટ્સ ગુ્રપના સભ્યોએ સરકાર સમક્ષ એબોર્શનના કાયદામાં છૂટછાટ આપવાની માગણી કરી છે. મહિલાઓએ દલીલ કરી હતી કે અતિશય કડક કાયદાના કારણે અસંખ્ય નિર્દોષ મહિલાઓએ પણ સજા ભોગવવી પડે છે. કાયદામાં અકસ્માત બાદ થયેલા એબોર્શનના મુદ્દે કોઈ છૂટછાટ મળતી હોવાથી અસંખ્ય મહિલાઓએ પરેશાની ભોગવવી પડે છે. સારાએ કહ્યું હતું કે કડક કાયદાના કારણે ઘણી ગર્ભવતી મહિલાઓને ડોક્ટરની સુવિધા પણ મળતી નથી. ક્રિટિકલ ડિલિવરીના કિસ્સામાં ડોક્ટર્સ કેસ હાથમાં લેતા નથી. એટલું નહીં, અકસ્માતના કારણે એબોર્શન થયું હોવા છતાં કોર્ટમાં માન્ય રાખવામાં આવતું નથી. તેના કારણે અસંખ્ય મહિલાઓ જેલમાં બંધ છે.

(6:42 pm IST)