Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

૧૪,૦૦૦ રૂપિયાના ભોજનના બીલ પર ૩.૫૦ લાખ રૂપિયાની આપી ટીપઃ વેઈટરને થઈ ગયાં બખ્ખા

લંડન, તા.૧૬: હોટલમાં જમવા જતા લોકોમાંથી દ્યણા સારી સર્વિસ બદલ વેઈટરને ટીપ આપતા હોય છે. જોકે ટીપ આપવાના મામલામાં પે પાલ કંપનીના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ જેક સેલ્બીએ ફરી એક વખત રેકોર્ડ સર્જયો છે. રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે ગયેલા જેક સેલ્બીએ ૧૯૪ ડોલરના એટલે કે લગભગ ૧૪, ૦૦૦ રૂપિયાના બીલ પર પાંચ હજાર ડોલર એટલે કે સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ટીપ આપી છે.

આ પહેલાં ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ જેક સેલ્બીએ આટલી જ રકમની ટીપ વેઈટરને આપી હતી. હવે ફરી તેમણે ૫૦૦૦ ડોલરની ટીપ આપી છે. જે રેસ્ટોરન્ટમાં તેમણે ભોજન કર્યું હતું તે રેસ્ટરોન્ટના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિલ અને ટીપની રકમની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે આટલી મોટી રકમની ટીપ આપવા બદલ જેક સેલ્બીનો આભાર પણ માન્યો છે.

રેસ્ટોરન્ટે સેલ્બીનો આભાર માનતા કહ્યું હતું કે, અમને કેટલાક વર્ષોથી આ પ્રકારની ટીપ મળતી રહી છે અને ગઈકાલે રાત્રે ફરી આવું થયું હતુ. અમારા સ્ટાફ તરફથી સેલ્બીનો ધન્યવાદ. આશા રાખીએ છીએ કે, ભવિષ્યમાં તેમનું અને તેમના પરિવારનું સ્વાગત ફરી કરીશું.

(3:21 pm IST)