Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આઝાદી માટેની માર્ચ યોજાઇ

બેલારૂસ : ચૂંટણીમાં ઘાલમેલના આરોપ સાથે લાખો લોકોનું વિરોધ પ્રદર્શન

મિન્સ્ક,તા.૨૦ : યુરોપના નાનકડા બેલારૂસ દેશમાં આઝાદીનો જંગ છેડાયો છે. લાખો લોકો સડકો ઉપર ઉતરી આવ્યા છે. બેલારૂસમાં ઓગસ્ટ મહિનામાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં તાનાશાહ એલેકઝાન્ડર લુકાશેન્કો છઠ્ઠી વખત ચુંટાઈ આવેલ છે. લોકો એવું માને છે કે ચૂંટણીમાં ગોલમાલ કરીને એલેકઝાન્ડર લુકાશેન્કો ચુંટાઈ આવેલ છે. તેના વિરોધમાં બેલારુસની રાજધાની મિન્સ્કમાં બે લાખ લોકો સડક પર ઉતરી આવ્યા હતા.

બેલારૂસના રાજકીય ઈતિહાસમાં આજ સુધી કોઈ એલેકઝાન્ડર લુકાશેન્કોને પડકારી શકયું નથી. આ વખતે એક સામાન્ય શિક્ષિકાએ જબરજસ્ત પડકાર ફેંકયો હતો. આ શિક્ષિકા સ્વેતલાના તિખાનોવ્સ્કાયા એ ચૂંટણીપ્રચારમાં જબરદસ્ત ટક્કર આપી હતી. સ્વેતલાનાની સભાઓમાં હજારો લોકો ઉમટી પડતા હતા. બંને નેતાઓની ચૂંટણી રેલીઓ જોતાં સ્વેતલાનાની જીત નિશ્યિત મનાતી હતી આમ છતાં ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે સ્વેતલાનાને માત્ર ૧૦ ટકા જ મતો મળ્યા હતા. આથી લોકો એવું માને છે કે લુકાશેન્કોએ ચૂંટણીમાં મોટી ગરબડો કરીને આ વિજય મેળવ્યો છે, જેની સામે સેંકડો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.

સ્વેતલાના એ સીધો આક્ષેપ કર્યો છે કે જયાં જયાં ગણતરી સાચી રીતે કરવામાં આવી છે ત્યાં ત્યાં ૬૦ થી ૭૦ ટકા મતો તેને મળ્યા છે. ચૂંટણી પરિણામો પછી સ્વેતલાના એ કહ્યુ છે કે તેમને આ આંકડાઓ ઉપર વિશ્વાસ આવતો નથી. સ્વેત્લાનાને નાના-નાના વિસ્તારોમાં કે જયાં કોઈપણ વિપક્ષી ઉમેદવાર આજ સુધી પગ પણ મૂકી શકયો ન હતો ત્યાં ત્યાં ભારે સમર્થન મળ્યું હતું.બેલારૂસ પહેલા સોવિયેત રશિયાનો એક ભાગ હતો અને ૨૫ ઓગસ્ટ ૧૯૯૧ ના રોજ સ્વતંત્ર થયેલ. જુન ૧૯૯૪ માં પ્રથમ ચૂંટણી થઈ હતી. લુકાશેન્કોએ જીત મેળવી હતી અને ત્યારથી લુકાશેન્કો બેલારુસનો એકમાત્ર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતો આવ્યો છે.

(11:47 am IST)