Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ઐસા ભી હોતા હૈ

આ ડોગી ઘરના કાટમાળની નીચેથી ૩૭ દિવસ બાદ જીવતો નીકળ્યો

બીજીંગ,તા.૨૦: ચીનના ગુઇઝોઉ પ્રાંતના એક ગામમાં આઠમી જુલાઈએ ભૂસ્ખલન થયું ત્યારે ગામના મોટા ભાગના લોકોને ઉતાવળમાં ઘર ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરવામાં આવ્યા હતા. એને કારણે આખા ગામમાં ભાગ્યે જ ૧૩૦ જેટલાં મકાનો સાબૂત રહ્યાં હતાં. અધિકારીઓએ ઉતાવળમાં ગામ ખાલી કરાવ્યું હોવાથી ઘરનો સામાન યથાવત્ છોડીને જવું પડ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓએ સ્થળને સુરક્ષિત જાહેર ન કરાય ત્યાં સુધી ગામના લોકોને તેમના દ્યરે પાછા ફરવાની મંજૂરી આપી નહોતી.

જોકે હાલમાં ચેન યોન્ગજેન નામના ભાઈ તેના તૂટી પડેલા ઘરની હાલત જોવા અને કાંઈ બચાવી શકાય એવું છે કે નહીં એ તપાસવા આવ્યા ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે તેને કાટમાળના ઢગમાંથી ખૂબ ધીમેથી ડોગીના ભસવાનો અવાજ સંભળાયો.

વાત એમ હતી કે ભૂસ્ખલન વખતે ડોગીને સાંકળ વડે બાંધવામાં આવ્યો હોવાથી તે નાસી શકયો નહોતો અને ત્યાર બાદ કાટમાળમાં ફસાઈ ગયો હતો. ડોગીનો અવાજ સાંભળીને ચેનભાઈએ ગામના લોકોને એકઠા કર્યા અને કાટમાળ ખસેડીને શ્વાનને કાઢવાનો પ્રયત્ન કર્યો. લગભગ દસ કલાકની જહેમત બાદ જયારે તેમણે ડોગીને કાટમાળમાંથી શોધી કાઢ્યો તો આટલા સમય બાદ માણસોને જોઈને ડોગી પણ આનંદિત થઈ ગયો હતો.

પહેલાં તેમણે એને ખેંચી કાઢવા માટે કરેલા નાના બાકોરામાંથી ડોગીને ખોરાક અને પાણી આપ્યા અને પછી એ જરા શાંત થયો ત્યાર બાદ એને કાટમાળમાંથી બહાર કઢાયો હતો. જોકે ૩૭ દિવસ કે પછી લગભગ ૮૮૦ કલાક સુધી ડોગી એના માલિકના ઘરના કાટમાળ વચ્ચે દબાઈને કઈ રીતે રહ્યો એ જ મુખ્ય પ્રશ્ન છે.

(11:47 am IST)