Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સ્વિત્ઝર્લેન્ડના ઓલ્ટનમાં અચાનક જ થયો 'ચોકલેટનો વરસાદ'

ઝયૂરિચ અને બેસેલ શહેર વચ્ચે સ્થિત ઓલ્ટન શહેરમાં લિન્ડ્સ એન્ડ સ્પ્રેંગલી કંપનીની ચોકલેટની ફેકટરી છેઃ જયાં કૂલિંગ વેન્ટિલેશનમાં ખરાબી આવવાના કારણે કોકો પાઉડર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો

બર્ન,તા.૨૦: સ્વિત્ઝર્લેન્ડના ઓલ્ટન શહેર પર ચોકલેટ પાઉડરનો વરસાદ થયો હતો. આ અચાનક જ થયેલા વરસાદથી લોકોને પણ પારાવાર આશ્ચર્ય થયું હતું. સામાન્ય રીતે આપણે આકાશમાંથી પાણી અથવા બરફ પડતો જોયો છે પરંતુ જયારે આ શહેરના લોકો સવારે ઉઠ્યા ત્યારે તેમણે ચારેબાજુ ચોકલેટના પાઉડરનો ભૂકો ફેલાયેલો જોયો હતો. જોકે, આ પર્યાવરણ માટે નુકસાનદાયક નહોતું.

રિપોર્ટ્સ અનુસાર, ઝયૂરિચ અને બેસેલ શહેર વચ્ચે સ્થિત ઓલ્ટન શહેરમાં લિન્ડટ્ એન્ડ સ્પ્રેંગલી કંપનીની ચોકલેટની ફેકટરી છે. આ કંપનીમાં ચોકલેટ બનાવવાના પ્રયોગને લઈને પીસેલા કોકો નીબ્સની લાઈનના કૂલિંગ વેન્ટિલેશનમાં મામૂલી ખરાબી આવી ગઈ હતી. જેના કારણે ઝડપી હવા સાથે કોકો પાઉડર કારખાનાની આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.

કંપનીએ જણાવ્યું કે કોકો પાઉડર શુક્રવારે ઝડપી હવાઓના કારણે કંપની આસપાસના વિસ્તારમાં ફેલાયેલો હતો. કંપની આસપાસ ફેલાયેલા કોકો પાઉડરની સફાઈ માટે કંપની જ સફાઈનો ખર્ચ ઉઠાવશે. જોકે, સ્થાનીક વહીવટી તંત્રએ કોઈ જ નિર્ણય લીધો નથી. કંપનીએ એ પણ કહ્યું કે, તેનાથી તેમના કંપનીના ઓપરેશનલ વહીવટ પર કોઈ જ અસર નહીં પડે.સોશિયલ મીડિયામાં આ દ્યટનાની તસવીરો વાયરલ થઈ રહી છે. સ્વિત્ઝર્લેન્ડમાં સ્થિત બ્રિટિશ એમ્બેસીએ ટ્વીટ કર્યું કે અમે પ્રોમિસ તો ન કરી શકીએ કે જયારે તમે યાત્રા કરશો તો આવું થશે પરંતુ આ અઠવાડિયે સ્વિત્ઝર્લેન્ડમાં ચોકલેટનો વરસાદ થયો છે.

(11:48 am IST)