Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ફિટિંગવાળા માસ્ક વધુ સારા:કોરોના સંક્ર્મણમાંથી આપે છે મોટી રાહત

નવી દિલ્હી: દુનિયાભરમાં માસ્ક પહેરવા મુદ્દે ઢીલ અપાઈ રહી છે. જોકે, તમે માસ્ક પહેરવાનું ચાલુ રાખશો તો કોરોનાના કોઈ પણ વેરિયન્ટથી સંક્રમણ થવાનો ખતરો ઘણો ઘટી જશે. અત્યાર સુધીનાં અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માસ્ક પહેરનારાની સુરક્ષા એ વાત પર નિર્ભર છે કે તે સંક્રમણના કેટલા હાઈ રિસ્ક વિસ્તારમાં છે અને ત્યાંના સમાજમાં સંક્રમણનો દર કેટલો છે. આ ઉપરાંત માસ્કની ગુણવત્તા પર પણ સુરક્ષા નિર્ભર છે. લેબોરેટરીમાં કરાયેલાં સંશોધનોમાં માલુમ પડ્યું છે કે, સારી ગુણવત્તાના માસ્ક સૌથી વધુ સુરક્ષા આપે છે. આ સાથે રસીકરણ અને બુસ્ટર ડોઝ પણ સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા આપે છે. એક મોડલિંગ સ્ટડી પ્રમાણે માસ્ક નહીં પહેરનારા લોકો વચ્ચે માસ્ક પહેરવાથી સંક્રમણનો ખતરો 65% સુધી ઓછો થઈ જાય છે. 2020માં સ્વિત્ઝર્લેન્ડની હોટલમાં થયેલા કોવિડ આઉટબ્રેકના સંશોધનમાં જણાયું હતું કે જે લોકોએ ફક્ત ફેસ શિલ્ડ પહેર્યું હતું, તે લોકો સંક્રમિત થયા હતા, જ્યારે માસ્ક પહેરનારા સંક્રમણથી બચી ગયા હતા. અમેરિકાના ટેનેસીમાં કરાયેલા એક સંશોધન પ્રમાણે, ફરજિયાત માસ્કના કારણે ભરતી થવાનો દર ઘટ્યો છે. સીડીસીના મતે, સારા ફિટિંગવાળું માસ્ક સંક્રમણનો ખતરો 65% સુધી ઘટાડે છે, જ્યારે માસ્કને એક સારા કોટન માસ્ક સાથે પહેરવાથી ખતરો 83% સુધી ઘટી જાય છે. જાપાનની ટોક્યો યુનિવર્સિટીના મતે, કોટન માસ્ક 27% સુધી, મેડિકલ માસ્ક 50% સુધી અને સારા ફિટિંગવાળું માસ્ક 90% સુધી સુરક્ષા આપે છે.

 

(7:11 pm IST)