Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અમેરિકાના ફ્લોરિડામાં 2021માં ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા 75 કરોડ જેટલા આનુવંશિક ફેરફાર કરાયેલા મચ્છરોને છોડવામાં આવી શકે છે

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં ૨૦૨૧માં ડેન્ગ્યુ ફેલાવતો અટકાવવા માટે ૭૫ કરોડ જેટલા આનુવંશિક ફેરફાર કરાયેલા મચ્છરો છોડવામાં આવનાર છે. તાજેતરમાં જ ફ્લોરિડા કીઝ મોસ્કિટો કંટ્રોલ ડિસ્ટ્રિક્ટ્ર દ્વારા  ૨૦૨૧ માં પાયલોટ પ્રોજેક્ટ માટે ખાસ પ્રકારના એડિઝ ઈઝેપ્ટાઈ મચ્છર વાતાવરણમાં છોડવાની મંજૂરી આપવામાં આવી છે. ફ્લોરિડામાં અધિકારીઓએ બે વર્ષની અવધિમાં ૭૫ કરોડ મચ્છરો છોડવાની મંજૂરી આપતાં આ વાત ચર્ચાસ્પદ બની છે. આ આખો પ્રોજેક્ટ બ્રિટનની ઓક્સિટેક બાયોટેકનોલોજી કંપનીને સોંપવામાં આવ્યો છે. આ કંપનીએ ડેન્ગ્યુના એવા પ્રકારના નર મચ્છરો બનાવ્યા છે કે જે માદા મચ્છરોની સાથે સંપર્કમાં આવતાં માદા મચ્છરોના મૃત્યુ નીપજશે. આપણે સૌ જાણીએ છીએ કે ડેન્ગ્યુ માદા મચ્છરોથી ફેલાય છે. જ્યારે માદા મચ્છર પ્રેગનેન્ટ બને છે ત્યારે ઈંડા આપવા માટે તેને લોહીની જરૂર હોય છે જેથી તે મનુષ્યને કરડીને તેનું લોહી ચુસે છે આ પ્રક્રિયામાં મનુષ્યને ડેન્ગ્યુ જેવો જીવલેણ તાવ આવે છે. બ્રિટનની કંપનીએ લેબોરેટરીમાં મચ્છરોમાં આનુવંશિક ફેરફાર કરીને એવા નર મચ્છરો બનાવ્યા કે જે મનુષ્યને કરડતા નથી પરંતુ જ્યારે માદા મચ્છરો સાથે મેલ્ટિંગ કરશે ત્યારે નર મચ્છરોમાંથી જે પ્રોટીન નીકળીને માદા મચ્છરમાં જશે એટલે માદા મચ્છરનું મૃત્યુ નીપજશે.

                     કંપનીનું માનવું છે કે આ પ્રકારે અમે રોગ ફેલાવનાર મચ્છરોનો નાશ કરીશું. ઓક્સિટેક કંપનીના વૈજ્ઞાનિક કેવિન ગોર્મને મીડિયાને જણાવ્યું હતું કે અમે બ્રાઝિલ અને કેમેન આઈલેન્ડ પર આ રીતે ૧૦૦ કરોડથી વધુ મચ્છરો પર્યાવરણમાં છોડયા છે અને અમારા પ્રોજેક્ટને સારી સફળતા મળી છે. આ વૈજ્ઞાનિકનું કહેવું છે કે અમે જે મચ્છરો છોડીએ છીએ તેનાથી પર્યાવરણ અને મનુષ્યને કોઈપણ પ્રકારનું નુકસાન થવાનું નથી. ઓક્સિટેક કંપનીએ દાવાની સાથે કહ્યું છે કે અમારા પ્રોજેક્ટને સંખ્યાબંધ સરકારી એજન્સીઓએ જોયો છે અને તેનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ કરનારમાં સરકારી એજન્સી ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ કરતી એજન્સી અને અમેરિકામાં રોગ નિયંત્રણ કરતી સંસ્થાઓ પણ સામેલ છે. આ એજન્સીઓના ગ્રીન સિગ્નલ બાદ ફ્લોરિડામાં અમારો પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટેની મંજૂરી મળી છે.

(6:33 pm IST)