Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અફઘાનિસ્તાનની સરહદ પર તારની વાડ કરી રહેલ પર પાકિસ્તાન લશ્કરને તાલિબાને આપી ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાને સૌથી પહેલાં તાલિબાનને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાનની સરકાર તાલિબાની આતંકવાદીઓનો પક્ષ લઈને દુનિયાને તાલિબાન સાથે સંબંધો સ્થાપવાની તરફેણ કરતી હતી, પરંતુ હવે આ તાલિબાની આતંકવાદીઓ પાકિસ્તાનને જ ભારે પડી રહ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને પાકિસ્તાનની સરકાર વચ્ચે તંગદિલીનો એક કિસ્સો સામે આવ્યો છે.

અફઘાનિસ્તાનની નાંધર પ્રાંત સરહદે પાકિસ્તાનના લશ્કરે ફેન્સિંગ લગાવવાની કામગીરી શરૂ કરી હતી. એ કામગીરીને તાલિબાને તુરંત અટકાવી દીધી હતી. તાલિબાની આતંકવાદીઓએ પાકિસ્તાનના સૈનિકોને ધમકી આપી હતી અને બીજી વખત આ કામગીરી ન કરવાની તાકીદ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ બન્યો હતો, જેમાં તાલિબાની આતંકવાદીઓ પાકિસ્તાનના સૈનિકોને ધમકી આપતા કહી રહ્યા છે કે જો બીજી વખત ડૂરેન્ડ લાઈનમાં આવી ગુસ્તાખી કરશે તો યુદ્ધ થઈ જશે. ડૂરેન્ડ લાઈન બ્રિટિશ સરકારે ૧૮૯૩માં બનાવી હતી. જેનાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ અંકાઈ જાય છે, પરંતુ હવે તાલિબાની આતંકવાદીઓએ દાવો કર્યો હતો કે ડૂરેન્ડ લાઈનથી આગળ પાકિસ્તાનની સરહદમાં અફઘાનિસ્તાનની જમીન છે. તાલિબાનના આતંકવાદીઓએ પાકિસ્તાની સૈનિકોએ બનાવેલી તારની વાડ હટાવી દીધી હતી. બ્રિટિશ સરકારે ખેંચેલી આ લાઈનને અફઘાનિસ્તાનના લોકો સત્તાવાર સરહદ ગણતા નથી. તેના કારણે અગાઉ પણ એ મુદ્દે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરકારો વચ્ચે તંગદિલી સર્જાઈ છે, પરંતુ તાલિબાનનું સમર્થન કરીને ઈમરાન ખાનને આશા હતી કે હવે એ મુદ્દે તાલિબાન પાકિસ્તાનની તરફેણ કરશે. પરંતુ ઈમરાનનો દાવ ઊંધો પડયો હતો.

(6:37 pm IST)