Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અમેરિકામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં આક્રમક દેખાવો કરવામાં આવ્યો

નવી દિલ્હી: અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો વધતા રાષ્ટ્રપતિ જો બાઈડેન તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વિરોધ એટલો બધો વધી ગયો છે કે, અમેરિકાની સરકાર પણ ગભરાઈ ગઈ છે. દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, સરકારે ઘણી યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લઈને ઓનલાઈન ક્લાસ ચલાવવાનો આદેશ આપ્યો છે. હાલ અમેરિકાની ઘણી યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કેટલાક સ્થળે વિરોધ પ્રદર્શન કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે 100થી વધુ લોકો સામે કેસ નોંધ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કેલિફોર્નિયાથી લઈને ન્યૂયોર્ક (New York) સુધી અમેરિકાની 21 યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ઘણા લોકો યુનિવર્સિટીના પરિસરમાં તંબુ લગાવીને બેસી ગયા છે. ન્યૂયોર્ક પોલીસે યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્ક અને યેલે યુનિવર્સિટીના તંત્રને સોમવારે સમન્સ પાઠવી કહ્યું છે કે, તેઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનનો નિવેડો લાવે. વિરોધ-પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા બાદ સરકારે 21 યુનિવર્સિટીઓને ઓનલાઈન ક્લાસ ચલાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે કેટલીક કૉલેજોને બંધ કરી દેવાઈ છે.

 

(6:33 pm IST)