Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

લંડનમાં બેકાબુ બનેલ લશ્કરના પાંચ ઘોડાઓ રસ્તા પર દોડવા લગતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: બ્રિટનની રાજધાની લંડનના રસ્તા પર બુધવારની સવારે લશ્કરના પાંચ ઘોડાઓએ ઉત્પાત મચાવ્યો હતો.મળતી વિગતો પ્રમાણે બ્રિટનના રાજવી ચાર્લ્સ ત્રીજાના નિવાસ સ્થાન બકિંગહેમ પેલેસના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર બેલગ્રેવિયામાં લશ્કરી ઘોડાઓની એક કવાયત યોજાઈ રહી હતી. આગામી મહિને રાજવીના જન્મદિવસ નિમિત્તે યોજાતી વાર્ષિક પરેડ માટે સૈનિકો ઘોડા સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ પરેડને ટ્રુપિંગ ધ કલર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેક્ટિસમાં સામેલ સાત ઘોડા પૈકીના પાંચ સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘોડાઓએ પોતાની પર સવાર સૈનિકોને પણ પછાડ્યા હતા અને એ પછી ઘોડા લંડનના અવર જવર વાળા રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. ઘોડાઓને દોડતા જોઈને લોકો પણ ગભરાઈ ગયા હતા. સેન્ટ્રલ લંડનમાં ઘોડાઓએ મચાવેલા ઉત્પાત બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લંડન સિટીના પોલીસ ઈન્સ્પેક્ટર માઈલ્સ હિલબેરીએ કહ્યું હતું કે, 'અમારી પોલીસ ટીમે લોકોને સંકટમાંથી ઉગારી લીધા હતા અને વધારે નુકસાન થતા અટકાવ્યુ હતુ. જયાં સુધી રેસ્ક્યુ ટીમ ના આવી ત્યાં સુધી ઘોડાઓને પોલીસે જ શાંત રાખ્યા હતા. બીજી તરફ પોલીસે ટ્રાફિકની અવર જવર પણ રોકી દીધી હતી.'ઘોડાઓના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઘોડો લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર દોડી રહ્યો છે. ઘોડા બેકાબૂ થઈને કાર અને પર્યટક બસો સાથે અથડાય છે અને લોકો નાસભાગ કરી રહ્યા છે. લશ્કરે બાદમાં માહિતી આપી હતી કે, 'ભાગી છુટેલા ઘોડાઓને કબજામાં કરી લેવાયા છે. હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે.'

 

(6:35 pm IST)