Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કેનેડામાં અચાનક રેઇન ટેક્સની જાહેરાત થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો

નવી દિલ્હી: કેનેડામાં રેઈન ટેક્સ લગાડવામાં આવશે. સરકારે આ ટેક્સની જાહેરાત કરી તેનાથી લોકોમાં આક્રોશ છે. વરસાદનું જેટલું પાણી ગટરમાં જશે એટલો વધારે ટેક્સ લોકોએ ચૂકવવો પડશે. કેનેડાના નાગરિકો અત્યારે પણ પાણી પર ટેક્સ ચૂકવે છે. એમાં વરસાદી ટેક્સની જાહેરાત થતાં લોકો પર મોટો આર્થિક બોજ આવશે. ટેક્સ ક્યારે શરૂ થશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઘણાં સમયથી આ અંગે વિચારણા ચાલતી હતી. ટોરન્ટો, ઓટાવા સહિત કેનેડાના મોટાભાગના શહેરોમાં સ્ટોર્મવોટર મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે. વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રસ્તા પાણીથી ઉભરાઈ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ચોમાસામાં રસ્તા બ્લોક થઈ જાય છે. પાટનગર ઓટાવામાં આવી સમસ્યા સર્જાતા અનેક લોકોને મુશ્કેલી પડી હતી. વારંવાર આ સ્થિતિ સર્જાતા હવે સરકારે રેઈન ટેક્સ લગાડવાનો નિર્ણય કર્યો છે. એ પ્રમાણે જેમના ઘરમાંથી સૌથી વધારે પાણી વહેતું હશે તેમણે વધારે ટેક્સ ચૂકવવો પડશે. આ વિચિત્ર ટેક્સની કેનેડામાં જ નહીં દુનિયાભરમાં ચર્ચા જાગી છે. કેનેડામાં તો લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કેનેડા એવા દેશોમાં સામેલ છે જ્યાં ટેક્સ વધારે લાગે છે. પર્સનલ ટેક્સથી લઈને પ્રોપર્ટી ટેક્સ, પાણીવેરો વગેરે કેટલાય ઊંચા ટેક્સ કેનેડાના નાગરિકો ચૂકવે છે. એમાં હવે રેઈન ટેક્સનો ઉમેરો થતાં નાગરિકોમાં આક્રોશ છે. જે પાણી જમીનમાં ઉતરી જાય તેના પર ટેક્સ નહીં લાગે. પરંતુ સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમમાં જેટલું પાણી પહોંચશે તેના પર ટેક્સ વસૂલાશે. આ ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવશે તે બાબતે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સંભવતઃ મીટર લગાવાય એવી શક્યતા છે. જે ઘરનું વરસાદી પાણી જમીનમાં ઉતરી જશે કે પાણીના સ્ટોરેજમાં રહેશે તેમને કર નહીં આવે. જે લોકોના ઘરમાંથી પાણી જમીનમાં ઉતરશે નહીં ને સીધું ગટરમાં જશે તેમણે ટેક્સ ચૂકવવો પડશે. વિશાળ વિસ્તારમાં ઓછા લોકો રહેતા હોય તેનું શું અને ગીચ વિસ્તારમાં રહેતા હોય તેમને કેટલો ટેક્સ લાગશે? આ બધા સવાલો ઉઠયા છે.

(6:35 pm IST)