Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

બ્રિટનમાં પત્નીને ડિવોર્સ આપ્યા બાદ સંપત્તિ ન આપવા માટે પતિએ ઘરમાં આગ હોમી દીધી

નવી દિલ્હી: બ્રિટનમાં એક વ્યક્તિએ પત્નીને ડિવોર્સ પછી તેનો ભાગ લેવાથી રોકવા માટે કરોડો રૂપિયાનું પોતાનું ઘર આગમાં હોમી દીધું. બળીને ખાખ થયેલા ઘરની કિંમત લગભગ 5.6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એટલું જ નહીં તે વ્યક્તિએ આગ લગાવ્યા પછી ફાયર વિભાગની ટીમને ફોન પણ કર્યો નહીં. આગથી થયેલા નુકસાનની ભરપાઇ ન થઇ શકે તેના માટે પતિએ પત્નીને કહ્યા વિના વીમાના પ્રીમિયમની ચૂકવણી પણ કરી નહોતી.

આ આખા મામલાનો ખુલાસો એક્સેટર ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન થયો. પોલીસ અને ફાયર વિભાગે કોર્ટને જણાવ્યું કે આ આગ આકસ્મિક નથી. બલ્કે જાણી જોઇને લગાવવામાં આવી હતી. એજન્સીઓએ આગ લગાવવા માટે 75 વર્ષીય જોન મેકકોરીને દોષી ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જોન એક્સેટરની પાસે કેનફોર્ડમાં સ્થિત પોતાના ઘરની થનારી હરાજીથી નાખુશ હતા. આ ઘરમાં જોન મેકકોરી અને તેમની પત્ની હિલેરી 20 વર્ષ સુધી એકસાથે રહ્યા હતા. તેમણે ઘરમાં આગ લગાવતા પહેલા ખૂબ દારૂ પીધો અને પછી પ્રોપેન ગેસના સિલિન્ડરોમાં બ્લોટોર્ચની મદદથી આગ લગાવી દીધી. આગ લગાવ્યા પછી તે આરામથી ખુરશી પર બેસી ગયા અને ફરી દારૂ પીવા લાગ્યા. તેમણે પાડોશીઓના ભેગા થવા પર કહ્યું કે હું આને બળતા જોઇ રહ્યો છું.

(6:26 pm IST)