Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ફિલિપાઇન્સમાં સર્જાઈ મોટી હોનારત:250 લોકોને લઈને જતી ફેરીમાં આગ ભભુકતા 12ના મૃત્યુ

નવી દિલ્હી: દક્ષિણ-પૂર્વ એશિયન દેશ ફિલિપાઈન્સમાં ગુરુવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. અહીં 250 જેટલા લોકોને લઈ જતી એક ફેરીમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના જીવતા ભડથું થઈ જવાના અહેવાલ છે. માહિતી અનુસાર ઘણા લોકો દાઝી ગયા છે. ભીષણ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બેસિલાન ક્ષેત્રના ગવર્નર જિમ હેટમેને માહિતી આપી હતી કે આ દુર્ઘટના પેસિફિક મહાસાગરમાં ત્યારે થઇ હતી જ્યારે ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી એક ફેરી આગની લપેટમાં આવી ગઈ હતી. અત્યાર સુધીના અહેવાલ અનુસાર 12 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 7 ગુમ હોવાની માહિતી મળી છે. રાહત અને બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. ઘણા લોકો ડૂબી કે આગની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. તેમણે કહ્યું કે અનેક લોકો આગના ડરથી મહાસાગરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડ, નેવી, અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી  મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.

 

(6:48 pm IST)