Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

પાકિસ્તાનમાં મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં સરકારી વિતરણ કંપની દ્વારા મફત લોટ વિતરણ કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ મફત લોટ મેળવવાની લ્હાયમાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા 11 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં આકાશ આંબતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર દ્વારા ખાસ કરીને પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ વિતરણ યોજના શરૂ કરાયા બાદ સરકારી વિતરણ કેન્દ્રો પર અનેક લોકોના મોતના સમાચાર મળ્યા. આ યોજનાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાને ઘટાડવાનો છે. દક્ષિણ પંજાબના ચાર જિલ્લા સાહિવાલ, બહાવલપુર, મુજફ્ફરગઢ અને ઓકારોમાં મફત લોટ કેન્દ્રો પર મંગળવારે બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષનું મોત નીપજ્યું હતું. જોકે અન્ય ૬૦ ઘવાયા હતા. પોલીસ ઉપર પણ મફત લોટ મેળવવા માટે લાઈનમાં ઊભેલા લોકો પર નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક જગ્યાએ તો આ મફત લોટ લાવતી ટ્રકોને પણ લૂંટી લેવાની ઘટના બની હતી.

(6:49 pm IST)