Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જાપાનમાં ઓફિસ અવર્સમાં 4500 વાર સિગરેટ પીનાર અધિકારીને થયો 9 લાખનો દંડ

નવી દિલ્હી: જાપાનના ઓસાકામાં  સિટી ગર્વમેન્ટની ફાઈનાન્સ ખાતાંની ઓફિસમાં કામ દરમિયાન વારંવાર ધુમ્રપાન કરવા માટે બ્રેક લેનારા સરકારી અધિકારીને આકરી સજા ફટકારાઈ છે.  આ કર્મચારીને ૪૫૦૦ વખત સિગરેટ પીવા માટે ઉઠવા બદલ નવ લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત  હજુ છ મહિના સુધી તેનો પગાર કાપી લેવાનું નક્કી કરાયું છે. ઓસામાં એક સરકારી કર્મચારીને ૧૪ વર્ષના સમયગાળા દરમિયાન ૪૫૦૦ વખત સિગરેટ પીવા માટે ઉઠવા બદલ દોષિત ઠેરવાયો હતો. વર્કિંગ અવર દરમિયાન ધુમ્રપાનમાં આટલો સમય બરબાદ કરવા બદલ તેને આટલાં વર્ષોના પગારમાં મળેલા નવ લાખ રુપિયા પરત કરી દેવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં પરંતુ આગામી છ મહિના સુધી તેના પગારમાંથી દસ ટકા જેટલી રકમ પણ કપાતી રહેશે. અહેવાલ અનુસાર ૬૧ વર્ષીય કર્મચારીએ પોતાની ૧૪ વર્ષની નોકરી દરમિયાન ૪૫૧૨ વખત સિગરેટ પીધી હતી. ઓફિસના જ સમયમાં તેણે સિગરેટ પીવા માટે આટલી વખત બ્રેક લીધો હતો. તેણે સિગરેટ પીવા માટે દર વખતે ઓફિસની બહાર જવું પડતું હતું.  સિગરેટ પીવાની લતને લીધે તેણે ઓફિસમાં ૩૫૫ કલાક ઓછું કામ કર્યું હતું. આથી તેને હવે નવ લાખ રુપિયાનો દંડ ફટકારાયો છે. તેના બે સાથી કર્મચારીઓને પણ દંડ કરાયો છે.  સપ્ટેમ્બર ૨૦૨૨માં સરકારના માનવ સંસાધન વિભાગને આ કર્મચારી વિરુદ્ધ એક નનામી અરજી મળી હતી. તે પછી આ ત્રણ અધિકારીઓને નોટિસ અપાઈ હતી. જોકે, તે પછી પણ તેમણે સિગરેટ માટે બ્રેક લેવાનું ચાલુ રાખ્યું હતું.

 

(6:50 pm IST)