Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અરબી સમુદ્રમાં હવે ચીનની ધુસણખોરી;ગ્વાદર બંદરને લઈને ડ્રેગને કર્યો પાકિસ્તાન સાથે કરાર

બલુચિસ્તાનના નાગરિકોના વિરોધ વચ્ચે બંને દેશના અધિકારીઓ વચ્ચે સહમતિ

નવી દિલ્હી : પાકિસ્તાન અને ચીન વચ્ચે ગ્વાદર બંદરને લઈને કરાર થયો છે. એ પ્રમાણે હવે ચીન ગ્વાદર બંદરનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે. આ કરારથી ભારતને અરબી સમુદ્રમાં હવે બબ્બે દુશ્મનોથી સાવધાન રહેવું પડશે. બલુચિસ્તાનના નાગરિકોના વિરોધ વચ્ચે બંને દેશના અધિકારીઓ વચ્ચે સહમતિ થઈ હોવાના અહેવાલો રજૂ થયા હતા.

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટમાં ગ્વાદર બંદરના વિકાસનો પ્રોજેક્ટ પણ ચીને હાથ ધર્યો હતો.

ચીનને ગ્વાદર બંદરના વિકાસમાં બિલકુલ દિલચસ્પી નથી, પરંતુ એ બહાને અરબી સમુદ્રમાં ઘૂસણખોરી કરવી છે. બલુચિસ્તાનના સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શનો વચ્ચે બંને દેશોના અધિકારીઓ વચ્ચે ગ્વાદર બંદરનો ઉપયોગ કરવાને લઈને કરારો થયા છે. તેના ભાગરૃપે ૨૨૨૧ એકર વિસ્તારમાં બંદરનો વિકાસ થશે.
એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બંને દેશોના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. એમાં ગ્વાદર બંદરનો સંપૂર્ણ વ્યૂહાત્મક ઉપયોગ કરવા સહમતિ થઈ હતી. ૬૦ અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઈશ્યિએટિવના ભાગરૃપે આ કરાર થયો હતો. એક સંયુક્ત નિવેદનમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના ટ્રાન્સપોર્ટ માર્ગનો ઉપયોગ ચીનને કરવા દેવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. ચીન હવે આ માર્ગે વેપાર કરવાની સાથે સાથે તેનો લશ્કરી ઉપયોગ પણ કરશે. તેના કારણે ભારતની ચિંતા વધશે. ભૂખમરો વેઠતા પાકિસ્તાનને આર્થિક સહાયનું ગાજર લટકાવીને ચીને ગ્વાદર બંદરને ગળી જવાનું ષડયંત્ર રચ્યું છે. ચીનના આ છટકામાં ઈમરાન ખાનની સરકાર બરાબર સપડાઈ ગઈ છે.

(9:31 am IST)