Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ફેબ્રુઆરીમાં પીક પર આવશે ઓમીક્રોન : કાનપુર આઇઆઇટીના પ્રોફેસરનો દાવો

કાનપુર તા. ૧: દેશમાં ઓમીક્રોનના વધી રહેલા કેસ પર કાનપુર આઇઆઇટીના સીનીયર પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે રાહતભરી વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે ફેબ્રુઆરીમાં ઓમીક્રોનનો પીક આવશે, પણ દર્દીઓની સંખ્યા ના તો વધારે હશે, ના તેમણે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરી પછી ઓમીક્રોનની લહેર ધીમેધીમે ઓછી થવા લાગશે.
ગણીતીય મોડલના આધારે દક્ષિણ આફ્રીકા સાથે ભારતની સરખામણી પછી તેમણે કહ્યું કે, બન્ને દેશોની સ્થિતિ, વસ્તી અને કુદરતી ઇમ્યુનિટી એક જેવી છે. ત્યાં ૧૭ ડીસેમ્બરે ઓમીક્રોન પીક પર હતો. હવે ત્યાં ઓમીક્રોનના કેસો ઝડપથી ઘટી રહ્યા છે. દક્ષિણ આફ્રીકામાં કુદરતી ઇમ્યુનિટી લગભગ ૮૦ ટકા છે. તેને આધાર બનાવીને પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, દક્ષિણ આફ્રીકાની જેમ જ ભારતમાં પણ ઓમીક્રોનના કેસ વધશે પણ મોટાભાગના દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે. યુરોપમાં કુદરતી ઇમ્યુનિટી ઓછી છે એટલે ત્યાં કેસો વધી રહ્યા છે.
પાંચ રાજ્યોમાં થનાર ચુંટણીઓથી ઓમીક્રોનના કેસો વધવાની શક્યતા પર પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, બીજી લહેરમાં ડેલ્ટા વેરીયેન્ટ વખતે પણ પાંચ રાજ્યોમાં ચુંટણીઓ થઇ હતી પણ ડેલ્ટાની કોઇ મોટી અસર એ રાજ્યોમાં નહોતી થઇ. હવે ચુંટણીઓ યોજવી કે ટાળવી તેનો નિર્ણય ચુંટણી પંચે એ જોઇને લેવો જોઇએ કે ત્રીજી લહેરનો પીક ફેબ્રુઆરીમાં આવશે.

 

(2:20 pm IST)