Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

માતા વૈષ્ણોદેવી મંદિર દુર્ઘટનાઃ કોવિંદ-નરેન્દ્રભાઇ - અમિતભાઇ-રાહુલ-કેજરીવાલે સંવેદના વ્યકત કરી

નવી દિલ્હી, તા.૧ઃ વર્ષના પહેલા જ દિવસે માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડની દુઃખદ ઘટનામાં ૧૨ ભાવિકોના મૃત્યુ થયેલ. અનેક લોકો ઘાયલ થયેલ જેને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેન્દ્રિય મંત્રી ડો.જીતેન્દ્રસિંહ વૈષ્ણોદેવી જવા રવાના થઇ ગયા છે. આ ઘટનામાં અવસાન પામેલ લોકોના પરિજનોને ૧૦ લાખ અને ઘાયલોને ૨ લાખની સહાયની જાહેરાત કરાઇ છે.
આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ, ગૃહમંત્રી અમિતભાઇ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સહિત અનેક લોકોએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જણાવેલ કે, જાણીને દુઃખ થયેલ કે માતા વૈષ્ણોદેવી ભવનમાં એક દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડે ભકતોના જીવ લીધા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
નરેન્દ્રભાઇએ જણાવેલ કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલ ભાગદોડમાં લોકોના મોતથી અત્યંત દુઃખી છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના જમ્મુ-કાશ્મીરના ઉંપરાજયપાલ મનોજ સિન્હા, કેન્દ્રિય મંત્રી જીતેન્દ્રસિંહ અને ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય સાથે વાત કરી સમગ્ર સ્થિતિ જાણી છે. આ ઘટનામાં હતભાગી ભાવિકોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર અપાશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારતમાં નથી. તેમણે આ ઘટના અંગે ટવીટ કરી જણાવેલ કે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલ ભાગદોડની ઘટના દુઃખદ છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરૂ છું.
કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયેલે દુર્ઘટનામાં  મૃત્યુ પામેલ લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના કરેલ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવેલ કે, ઘટના જાણી ખુબ જ દુઃખ થયું. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના.(૨૩.૧૬)

(2:34 pm IST)