Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વર્ષ 2021માં ભારતે લગભગ 70 લાખ કરોડના વ્યવહારો માત્ર UPI થકી કર્યા:10 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સ શરૂ થયા

વડાપ્રધાન મોદીએ કહ્યું- આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8% થી વધુ: ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. આપણો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો

નવી દિલ્હી :પ્રધાનમંત્રી કિસાન યોજનાનો દસમો હપ્તો જારી કરવાના પ્રસંગે પીએમ મોદીએ શનિવારે દેશની આર્થિક સફળતાઓનો પણ ઉલ્લેખ કર્યો.

આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને ક્લાઈમેટ ચેન્જ સુધીના મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

તેમણે કહ્યું, “આજે આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8% થી વધુ છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. આપણો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. GST કલેક્શનમાં જૂના રેકોર્ડ પણ તૂટી ગયા છે. આ કિસ્સામાં પણ અમે નવા દાખલા સેટ કર્યા છે.”

“વર્ષ 2021માં ભારતે લગભગ 70 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો માત્ર UPI થકી કર્યા છે. આજે ભારતમાં 50 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સ કામ કરી રહ્યા છે. ભારતમાં 10 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સ છેલ્લા 6 મહિનામાં શરૂ થયા છે.”

“આબોહવા પરિવર્તન સામે વિશ્વની આગેવાની લેતા ભારતે 2070 સુધીમાં વિશ્વની સામે ચોખ્ખા શૂન્ય કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. આજે ભારત હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યું છે, ઇલેક્ટ્રિક વાહનોમાં આગેવાની લઈ રહ્યું છે.”

“PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ગતિને નવી ધાર આપવા જઈ રહ્યો છે. મેક ઈન ઈન્ડિયાને નવા આયામો આપતાં દેશે ચિપ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર્સ જેવા નવા ક્ષેત્રો માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.”

(8:40 pm IST)