Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

એસએસ રાજામૌલીની મેગા બજેટ ફિલ્મ ‘RRR’ની 7મીએ નહિ થાય રિલીઝ : કોરોનાને કારણે નિર્ણય

કોરોનાના વધતા જતા કેસોને જોતા ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી : નવી તારીખ નથી થઇ જાહેર

મુંબઈ :ડાયરેક્ટર એસએસ રાજામૌલીની મેગા બજેટ ફિલ્મ ‘RRR’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને જોતા ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. જોકે, નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ પહેલાં પણ આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધકેલવામાં આવી છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે.

કોરોનાની ત્રીજી લહેર પછી ઘણા શહેરોમાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં કર્ફ્યુ લાગુ છે. `83`ના અપેક્ષિત કરતાં ઓછા કલેક્શનને ધ્યાનમાં રાખીને, ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ મુલતવી રાખી છે. નવા વર્ષની શરૂઆતથી આ સમાચાર ટોપ ટ્રેન્ડિંગમાં રહ્યા છે.

એસએસ રાજામૌલીની ફિલ્મ `RRR` દક્ષિણ ભારતીયોની સાથે ઉત્તર ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય હિન્દી ફિલ્મ અભિનેતા અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે જેની વાર્તા દેશની આઝાદી પહેલા વર્ષ 1920માં સેટ છે. આ પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ડીવીવી એન્ટરટેઈનમેન્ટ્સના ડીવીવી દાનૈયા દ્વારા બનાવવામાં આવી છે.

(9:00 pm IST)