Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ચંદ્ર પર ફરવા માટે ઊડતી રકાબી વિકસાવી

આ ટેકનૉલૉજી સફળ રહી તો ચંદ્રની સપાટી પર ચાલતાં રોવર્સ તેમ જ અન્ય વાહનોના ઉત્પાદનમાં એ નવી ક્રાન્તિ લાવશે

અમેરિકાની જાણીતી શૈક્ષિણક સંસ્થા એમઆઇટી દ્વારા ચંદ્ર પર ફરવા માટે એક ઊડતી રકાબી વિકસાવી છે જે પરંપરાગત રૉકેટ માટે વપરાતા ઈંધણને બદલે ચંદ્રની સપાટી પર રહેલી ઊર્જાનો ઉપયોગ કરે છે. જો આ ટેકનૉલૉજી સફળ રહી તો ચંદ્રની સપાટી પર ચાલતાં રોવર્સ તેમ જ અન્ય વાહનોના ઉત્પાદનમાં એ નવી ક્રાન્તિ લાવશે. ઊડતી કાર માનવજાત માટે ઘણાં વર્ષોથી એક સપના જેવી વાત રહી છે, પરંતુ યુએફઓ આ ક્ષેત્રે ક્રાન્તિ લાવી શકે છે.  એમઆઇટી દ્વારા વિકસાવવામાં આવેલી ઊડતી રકાબી માટે ચંદ્ર એક આદર્શ સ્થળ છે. ચંદ્ર પર રક્ષણાત્મક આવરણ નથી. સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણો સીધાં એના સંપર્કમાં આવે છે. જેને કારણે એની સપાટી પૉઝિટિવલી ચાર્જ હોય છે. એને કારણે એની ધૂળ અંદાજે એક મીટર સુધી ઊછળતી હોય છે. આપણે સૂકા વાળમાં કાંસકો ફેરવીએ ત્યારે જે પ્રમાણે સ્ટેટિક એનર્જીથી વાળ ઊભા થઈ જાય છે એવી કંઈક અસર આમાં છે. ઊડતી રકાબી આ એનર્જીનો ઉપયોગ કરીને જાતને આગળ ધકેલે છે. ઊડતી રકાબીમાં રહેલા નેગેટિવ ચાર્જ આ વાહનને ચંદ્રની સપાટીથી ઊંચે રાખશે અને આગળ વધારશે. એમાં ઈંધણ તરીકે પ્રવાહી મીઠું હશે, જે જરૂરી નેગેટિવ આયર્ન ઉત્પન્ન કરશે.

(9:12 pm IST)