Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

માતા વૈષ્ણોદેવીમાં દર્દનાક દુર્ઘટનાની ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ તપાસ કરશે : એક સપ્તાહમાં આપશે રિપોર્ટ

ઉચ્ચ સ્તરીય સમિતિમાં મુખ્ય સચિવ (ગૃહ) શાલીન કાબરા, જમ્મુ પોલીસના એડીજી મુકેશ સિંહ અને વિભાગીય કમિશનર રાજીવ લંગરનો સમાવેશ

નવી દિલ્હી : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતા વૈષ્ણો દેવી મંદિર વિસ્તારમાં નાસભાગની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે, ભક્તોની ભારે ભીડ વચ્ચે ફાટી નીકળેલી નાસભાગમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે દોઢ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ એક સપ્તાહમાં પોતાનો અહેવાલ પણ સુપરત કરશે. ઉચ્ચ સ્તરીય સમિતિમાં મુખ્ય સચિવ (ગૃહ) શાલીન કાબરા, જમ્મુ પોલીસના એડીજી મુકેશ સિંહ અને વિભાગીય કમિશનર રાજીવ લંગરનો સમાવેશ થાય છે.

જમ્મુથી લગભગ 50 કિમી દૂર ત્રિકુટા પહાડી પર આવેલા ધામમાં આ પહેલી ઘટના છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે પરંતુ શિસ્તબદ્ધ ભીડને કારણે ક્યારેય નાસભાગ મચી નથી. આ કમનસીબ ઘટના શુક્રવારે બની હતી.શનિવારે મોડી રાત્રે લગભગ 2.30 કલાકે મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ પાસે અચાનક નાસભાગ મચી ગઈ હતી. અહીં કટરા બેઝ કેમ્પથી લગભગ 13 કિમીનું અંતર કાપ્યા પછી ભક્તો એકઠા થાય છે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે નાસભાગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંઘ, જેઓ નાસભાગની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહની સાથે હતા, તેમણે જણાવ્યું હતું કે “કમનસીબ” ઘટના માટે એક નાની લડાઈ જવાબદાર હતી.

(10:38 pm IST)