Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

કોરોનાની ત્રીજી લહેરમાં 80 લાખ કેસ અને 80 હજાર લોકોના મોત થવાની સંભાવના :રાજ્ય સરકારની મોટી ચેતવણી

અધિકારીઓને કહેવાયું કે-એવું ના માની લો કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઓછું ગંભીર છે અને તેનાથી વધારે નુકસાન થશે નહીં

મુંબઈ :મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જાહેર કરી છે. રાજ્ય સરકારના અનુમાન મુજબ, આ લહેરમાં કોવિડ-19ના 80 લાખ કેસ અને 80 હજાર લોકોના મોત થવાની સંભાવના છે. સરકારનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) ડો. પ્રદીપ વ્યાસે  સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણનો આંકડો મોટો થવાનો છે.

ડો. પ્રદીપ વ્યાસે કહ્યું કે જો કોરોનાની ત્રીજી લહેરમાં 80 લાખ કેસ આવે અને તેમાંથી મૃત્યુ દર 1 ટકા પણ રહે તો 80 હજાર લોકોના મોત થઈ શકે છે. તેમણે અધિકારીઓને કહ્યું કે એવું ન માની લો કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઓછું ગંભીર છે અને તેનાથી વધારે નુકસાન થશે નહીં. આ વેરીઅન્ટ પણ અગાઉના અન્ય વેરિઅન્ટની જેમ એવા લોકો માટે ઘાતક છે જેમણે કોવિડ-19 રસીકરણ કરાવ્યું નથી.

મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) ડો. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓએ એવા મીડિયા અહેવાલો પર કોઈ ધ્યાન આપવું જોઈએ નહીં જે કહે છે કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ હળવો છે. આપણે તર્કસંગત અને વૈજ્ઞાનિક ધોરણે વિચારવાની જરૂર છે.

જીનોમ સિક્વન્સિંગ પરિણામો દર્શાવે છે કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 70 ટકાથી વધુ કેસોમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો છે. ડૉ.પ્રદીપ વ્યાસે અધિકારીઓને કોરોના રસીકરણ ઝડપી બનાવવા જણાવ્યું છે. આ સંદર્ભે, તેમણે રાજ્યના તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા પરિષદોના સીઈઓને પત્ર મોકલ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે 'કોરોનાનું સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યું છે. ગઈકાલે 8 હજાર કેસ નોંધાયા હતા. આજે 12થી 15 હજાર નવા કેસ સામે આવી શકે છે. ઓમિક્રોનના કેસ પણ તેજીથી સામે આવી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનો, મૃત્યુનો, ઓક્સિજનની જરૂરિયાતનો દર વધારે હતો. જ્યારે ઓમિક્રોનમાં જોવામાં આવી રહ્યું છે કે આનો ફેલાવો ખૂબ જ ઝડપી છે, પરંતુ ઓમિક્રોન દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડે છે.

વધુમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું 'રોજના ઓમિક્રોન અને ડેલ્ટા કેસની સંભવિત ટકાવારીનો અંદાજ કાઢવો જરૂરી છે. જો આપણે દરરોજ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટના કેસોના સંભવિત ગુણોત્તરનો અંદાજ લગાવી શકીએ તો આરોગ્ય વિભાગ માટે દર્દીઓની સારવાર માટેના પગલાંની યોજના નક્કી કરવાનું સરળ બનશે.

(11:33 pm IST)