Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મુંબઈમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં અધધધ 6347 નવા કેસ : નિયંત્રણોને વધુ કડક બનાવાશે

451 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા : હાલમાં મુંબઈમાં 22 હજાર 334 દર્દીઓની સારવાર ચાલુ

મુંબઈમાં  કોરોનાનું  સંકટ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 6 હજાર 347 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે 5 હજાર 631 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણ વધવાની સાથે મુંબઈમાં સક્રિય કોરોના કેસની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. હાલમાં મુંબઈમાં 22 હજાર 334 દર્દીઓની સારવાર ચાલુ છે.શનિવારે 451 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. જોકે, કમનસીબે એક દર્દીનું મોત પણ થયું છે.

મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કોરોના સંબંધિત નિયંત્રણોને વધુ કડક બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર ન હોવા છતાં પણ નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે, તેમ સ્પષ્ટપણે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેથી આવનારા દિવસોમાં મુંબઈકરોએ વધુ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈમાં કોરોના ગ્રોથ રેટ 0.28 ટકા પર પહોંચી ગયો છે. કોરોના કેસ બમણા થવાનો સમયગાળો હવે 251 પર પહોંચી ગયો છે. કોરોના રિકવરી રેટ હાલમાં 95 ટકા છે. મુંબઈમાં હાલમાં 10 કન્ટેઈનમેન્ટ ઝોન છે. અત્યાર સુધીમાં 157 ઇમારતોને સીલ કરવામાં આવી છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોનાની આ વધતી સંખ્યાને જોતા સવાલ ઉઠી રહ્યો છે કે શું મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન થશે? આ સવાલનો જવાબ રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે રાજ્યમાં 700 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનની જરૂરિયાત અનુભવાશે, ત્યારે રાજ્ય આપોઆપ લોકડાઉન થઈ જશે. તે ઔરંગાબાદમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને મીડિયા સાથે વાત કરી હતી.

(11:53 pm IST)