Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

‘આત્‍મનિર્ભર સ્‍વસ્‍થ ભારત યોજના'ની જાહેરાતઃ કોરોના રસી માટે ૩૫ હજાર કરોડ રૂપિયા

નાણા મંત્રીએ કહ્યું કેઃ સ્‍વસ્‍થ ભારત અને સૌનું કલ્‍યાણ એ અમારી સરકારનું પહેલું લક્ષ્ય છે

નવી દિલ્‍હી, તા.૧: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૧- સોમવારે મોદી સરકારનું નવમું બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્‍યારે તેમણે બજેટમાં ‘આત્‍મનિર્ભર સ્‍વસ્‍થ ભારત યોજના'ની પણ જાહેરાત કરી છે. આ યોજના માટે સરકારે ૬૪ હજાર ૧૮૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

નાણા મંત્રીએ કહ્યું કે, સ્‍વસ્‍થ ભારત અને સૌનું કલ્‍યાણ એ અમારી સરકાનું પહેલું લક્ષ્ય છે. આ અંતર્ગત સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્ર માટે વધારે રકમ આપવામાં આવી છે. બજેટમાં કોરોના વેક્‍સિન માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્‍યા છે. આમાં જો વધુ રકમની જરૂર હશે તો વધુ આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, ‘આત્‍મનિર્ભર સ્‍વસ્‍થ ભારત યોજના' શરૂ થશે. જેને અમે ૬૪ હજાર ૧૮૦ કરોડના ખર્ચે શરૂ કરીશું. આનાથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્ર માટે આપણી ક્ષમતાનો વિકાસ થશે. પ્રાથમિક સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થાઓ મજબૂત કરવામાં આવશે. આના કારણે આપણે નવા રોગો તરફ વધુ ધ્‍યાન આપી શકીશું.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્‍વચ્‍છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યુ. જે અંતર્ગત શહેરોમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે, તેના માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્‍યા. તેની સાથે જ નાણા મંત્રી તરફથી મિશન પોષણ ૨.૦નું એલાન કરવામાં આવ્‍યું છે.

(4:04 pm IST)