Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગુલામનબીએ પીએમ મોદીનાં વખાણ કરતાં રાજકીય ગરમાગરમીઃ ભાજપમાં જોડાશે ? નવો પક્ષ ઉભો કરશે?

વિવિધ પ્રકારની અટકળોની આંધી

જમ્‍મુ તા.૧ : કોંગ્રેસના કદાવર નેતા અને રાજયસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા ગુલામનબી આઝાદના અચાનક વડાપ્રધાન મોદી માટે ઉમટી પડેલા પ્રેમની રાજકીય હલચલ ઝડપી બની છે. જમ્‍મુમાં જી-ર૩ નેતાઓના પાર્ટી હાઇકમાન્‍ડ વિરૂધ્‍ધ સંઘર્ષના સંકેત અપાયાના એક દિવસ પછી જ જાહેર મંચ પરથી આઝાદ દ્વારા મોદીને જમીન નેતા કહેવાના ઘણાં અર્થો કાઢવામાં આવી રહયા છે. તેને રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના રૂપમાં જોવામાં આવી રહયો છે.  રાજયસભામાં વિદાય દરમિયાન આઝાદના વખાણ કરતા કરતા વડાપ્રધાન મોદીની આંખોમાં આંસુ આવી ગયા હતા.

અત્‍યારના રાજકીય ઘટનાક્રમ પછી એવી અટકળો થઇ રહી છે કે કયાંક આઝાદ છાવણી તો નથી બદલવાના શું તેઓ ભાજપમાં સામેલ થવાના છે કે પછી કોંગ્રેસમાંથી છુટા થઇને પોતાના અલગ પક્ષ બનાવવાના છે ? જો કે આઝાદનું કહેવું છે કે જો મારે ભાજપમાં જોડાવુ હોત તો હું વાજપેયીના સમયમાં જ ચાલ્‍યો ગયો હોત. તો રાજકીય વિશ્‍લેષકોનું કહેવુ઼ છે કે રાજકારણમાં બધુ શકય છે.

વિશ્‍લેષકો અનુસાર, દેશના રાજકારણ અને કોંગ્રેસમાં આઝાદનું કદ મોટુ છે. જમ્‍મુ-કાશ્‍મીરની સાથે સમગ્ર દેશમાં આઝાદના ટેકેદારો છે. રાષ્‍ટ્રીય મહામંત્રી, કેન્‍દ્રીય આરોગ્‍ય પ્રધાન અને રાજયસભામાં વિરોધપક્ષના નેતા રહી ચુકયા હોવાના કારણે વિભીન્‍ન રાજયોમાં તેમની પકડ છે. એટલે જો તે છાવણી બદલે અથવા નવો પક્ષ બનાવે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.

(11:41 am IST)