Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાનું કોરોનાથી મોત : દીકરાને અડી પણ ન શકયા ઘરવાળા

ચિક્કમગલુરૂમાં રહેતો પૃથ્વીરાજ બેંગ્લોરમાં નોકરી કરતો હતો : ૨૯ એપ્રિલે તેના લગ્ન થવાના હતા : બેંગ્લોરમાં સેલ્સ એકિઝકયુટિવ હતો મૃતક પૃથ્વીરાજ : મોતથી ઘરમાં લગ્નની તૈયારીમાં માતમમાં બદલાઇ

બેંગ્લોર,તા.૧ :  કર્ણાટકમાં એક આશ્યર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જયાં લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાનું કોરોનાથી મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અહીં એક ૩૨ વર્ષીય યુવકની અચાનક તબિયત લથડી હતી, ત્યારે પરિવારે તેનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ૧૦ દિવસમાં બે વાર ટેસ્ટ કરાવતા બંને વખત રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ દરમિયાન બુધવારે તેની હાલત વધારે ખરાબ થતાં તેને શિવમોગા સ્થિત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં તેનું મોત થઈ ગયું હતું.

તેના મૃત્યુ પછી ત્રીજી વખત યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકના ગુરુવારે લગ્ન થવાના હતા અને એક દિવસ અગાઉ જ તેના મોતથી બંને પરિવારોની ખુશી માતમમાં ફેરવાઈ હતી. ચિક્કમગલુરુમાં રહેતા પૃથ્વીરાજ ડીએમના લગ્ન ૨૯ એપ્રિલના રોજ થવાના હતા. દ્યરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. તે લગ્ન માટે બે અઠવાડિયા પહેલા બેંગલોરથી દેવરાકોડિંગના દેવકુડોહી તેના દ્યરે પરત આવ્યો હતો.

વરરાજા બેંગ્લોરમાં સેલ્સ એકિઝકયુટિવ તરીકે કામ કરતો હતો. તેના પિતા મંજુનાથ વ્યવસાયે ખેડૂત છે. પૃથ્વીરાજ તેનો મોટો દીકરો હતો. મંજુનાથે જણાવ્યું કે પૃથ્વીરાજને બેંગાલુરુથી પાછા આવ્યા પછી પેટમાં દુખાવો થયો હતો. બાદમાં તેણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

ત્યારબાદ તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારે લગ્નને આગળ વધારવાનો નિર્ણય કર્યો. જોકે સારવાર બાદ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે. પૃથ્વી રિકવર થયા બાદ પરિવારે નક્કી કરેલી તારીખે લગ્ન કરવાનું નક્કી કર્યું. પ્રાથમિક સારવાર બાદ યુવકને શિવમોગા જિલ્લાના થિરથાહલ્લીમાં રિફર કરવામાં આવ્યો હતો. બંને હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, તેની હાલત કથળતી જ રહી.

પૃથ્વીરાજને શિવમોગાની મેકગન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જયાં તેને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્થિતિ વધુ વણસી જતા પૃથ્વીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેમ છતાંય તેની હાલતમાં સુધારો ન થતાં બુધવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, મૃત્યુ પછીનો તેનો ત્રીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મૃત્યુ થયા બાદ કોરોના પ્રોટોકોલ મુજબ પૃથ્વીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે તેના લગ્નમાં ભાગ લેવા આવેલા સબંધીઓ તેના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા પરંતુ દૂરથી તેના મૃતદેહને જોતા રહ્યા હતા. કોઈએ પણ તેની ડેડબોડીને સ્પર્શ કરવાની હિંમત નહોતી થઈ. 

(10:42 am IST)