Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આસામ સરકારના મદરેસાઓને શાળાઓમાં બદલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગણી કરી કરતી અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ

આસામ સરકારના મદરેસાઓને શાળાઓમાં પરિવર્તિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ફેબ્રુઆરી માસમાં ગુવાહાટી હાઈકોર્ટે આસામ રિપીલિંગ એક્ટ- 2020ને સમર્થન આપ્યું હતું કે આસામમાં તમામ સરકારી ભંડોળવાળા મદરેસાઓને શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવે. આ આદેશ સામે મોહમ્મદ ઈમાદુદ્દીન બારભુઈયા અને અન્યોએ મંગળવારે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગણી કરી છે.આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે રિપીલિંગ એક્ટ અને ત્યારબાદના સરકારી આદેશોએ ભારતીય બંધારણની કલમ 25, 26, 28 અને 30 હેઠળ અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

ચીફ જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ સૌમિત્ર સૈકિયાની બેન્ચે 4 ફેબ્રુઆરીએ એક્ટની માન્યતાને પડકારતી અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારનો ફેરફાર માત્ર કામચલાઉ મદરેસાઓમાં જ છે. જેઓ ખાનગી અથવા સમુદાય સાથે સંબંધિત છે તેમના માટે નહીં.

રિપીલિંગ એક્ટે બે કાયદા, આસામ મદ્રેસા એજ્યુકેશન પ્રોવિન્શિયલાઇઝેશન એક્ટ 1995, અને આસામ મદરેસા એજ્યુકેશન (કર્મચારીઓની સેવાઓનું પ્રાંતીકરણ અને મદરેસા શૈક્ષણિક સંસ્થાઓનું પુનર્ગઠન) અધિનિયમ 2018 રદ કર્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2020 ના રિપીલિંગ એક્ટ  મદરેસા શિક્ષણની વૈધાનિક માન્યતા અને સંપત્તિ છીનવી રહ્યું છે. 12 ફેબ્રુઆરી 2021 ના રાજ્યપાલના આદેશથી 1954 માં બનાવવામાં આવેલ આસામ રાજ્ય મદરેસા બોર્ડને વિસર્જિત કરવામાં આવ્યું હતું. મદરેસાઓને ધાર્મિક શિક્ષણ આપતા અટકાવવા તે કાયદાકીય અને વહીવટી સત્તાઓની મનસ્વીતા છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે ખોટી રીતે કહ્યું હતું કે અરજદાર મદરેસાઓ સરકારી શાળાઓ હોવાને કારણે તેમને ધાર્મિક શિક્ષણ આપવાની મંજૂરી આપી શકાય નહીં.

આસામના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 2020માં તત્કાલિન શિક્ષણ મંત્રી તરીકે આસામ રિપીલ એક્ટ લાવ્યા હતા. તેમણે હાઈકોર્ટના નિર્ણય બાદ ટ્વીટ કર્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ બિલ 30 ડિસેમ્બર, 2020 ના રોજ પસાર થયું હતું. આના દ્વારા આસામ મદરેસા એજ્યુકેશન એક્ટ, 1995ને રદ્દ કરવામાં આવ્યો હતો.

(12:33 am IST)