Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

છિંદવાડામાં માતાના મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિ દૂર કરાઈ

દ્વારકા શંકરાચાર્યના પ્રતિનિધિની નારાજગી ઃ શ્રી રામ મંદિરમાં લગાવાયેલી ટાઈલ્સને પણ દૂર કરી દેવામાં આવી જેના પર સાંઈ બાબાનું ચિત્ર બનેલું હતું

છિંદવાડા, તા.૧ ઃ મધ્ય પ્રદેશના છિંદવાડા ખાતે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરૃ શંકરાચાર્ય સ્વામી સ્વરૃપાનંદ સરસ્વતીના પ્રતિનિધિ સ્વામી અવિમુક્તેશ્વરાનંદની નારાજગીની અસર જોવા મળી છે. છિંદવાડા ખાતે આવેલા બડી માતાના મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિને દૂર કરી દેવામાં આવી છે. આ સાથે જ શ્રી રામ મંદિરમાં લગાવવામાં આવેલી ટાઈલ્સને પણ દૂર કરી દેવામાં આવી છે. તે ટાઈલ્સ ઉપર પણ સાંઈ બાબાનું ચિત્ર બનેલું હતું. મંદિર પરિસર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હકીકતે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ છોટા બજાર સ્થિત બડી માતાના મંદિર અને શ્રી રામ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તે સમયે તેઓ બડી માતા મંદિરની દીવાલ પર લાગેલી સાંઈ બાબાની મૂર્તિ અને શ્રી રામ મંદિર ખાતે ટાઈલ્સમાં સાંઈ બાબાનું ચિત્ર જોઈને ભારે નારાજ થઈ ગયા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરીને એમ પણ કહ્યું હતું કે, રામના મંદિરમાં સાંઈનું શું કામ? ત્યાર બાદ તેમણે બડી માતા મંદિરના પુજારી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  સ્વામી અવિમુક્તેશ્વરાનંદના રોષ અંગે પુજારી રાજા તિવારીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'હું બાળપણથી સ્વામીજી સાથે રહ્યો છું. તેમની નારાજગી જ તેમનો સ્નેહ છે. પુત્રથી ભૂલ થાય તો પિતા જ વઢે છે. '

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, 'હું ખૂબ જ પ્રસન્નતાપૂર્વક દર્શન કરવા પહોંચ્યો હતો પરંતુ રામ મંદિર અને માતા મંદિર એમ બંને જગ્યાએ મેં જે જોયું તેનાથી દેખાઈ આવે છે કે, છિંદવાડાના હિંદુઓનું લોહી વિકૃત થઈ ગયું છે. બંને જગ્યાએ સાંઈની મૂર્તિ છે. આપણા મંદિરોમાં તેમનું શું કામ છે, અને જો સાંઈની પૂજા કરવી છે તો રામ અને કૃષ્ણનું શું કામ છે? જો આ ઘાલમેલ છે તો દૂરથી જ પ્રણામ છે. ભવિષ્યમાં કદી હું છિંદવાડાના આ મંદિરોમાં પ્રવેશ નહીં કરૃં. હું ખૂબ આનંદથી આવ્યો હતો અને હવે દુઃખી થઈને જઈ રહ્યો છું.'

(8:09 pm IST)