Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વર્ષ 2022માં અંદાજે 2 કરોડ જેટલા લોકોએ રસોઈ ગેસનો એકપણ સિલેન્ડર ખરીદ્યો નથી

વધતી કિંમતને કારણે ઘટ્યો વપરાશ ?! : વર્ષ 2014માં ઘરેલૂ ગેસના એક સિલેન્ડરની કિંમત 410 રૂપિયા હતી, તે વધીને 1000 રૂપિયાથી વધારે થઈ ગઈ

નવી દિલ્હી : જો ચાર-પાંચ લોકોનો પરિવાર બે ટંકનું વ્યવસ્થિત રીતે ભોજન તૈયાર કરવા માટે એલપીજી સિલેન્ડરનો ઉપયોગ કરે તો લગભગ એક મહિનામાં જ તે ખત્મ થઈ જાય છે. ઓછામાં ઓછો એક સિલેન્ડર ગણીએ તો પણ વર્ષના બાર સિલેન્ડર થઈ જાય છે. આ હિસાબથી જોઈએ તો જો કોઈ પરિવાર 12થી ઓછા સિલેન્ડરનો ઉપયોગ કરે છે તો તેનો અર્થ છે કે કંઈક તો કારણ છે જેના કારણે ઓછા સિલેન્ડરનો વપરાશ થઈ રહ્યો છે. ભારત જેવા ગરીબ દેશમાં સૌથી મોટું કારણ રસોઈ ગેસની વધતી કિંમત પણ હોઈ શકે છે, જેના કારણે લોકો રસોઈ ગેસનો ઉપયોગ ખુબ જ સમજી-વિચારીને કરી રહ્યાં છે.

વધેલી કિંમતનો અંદાજો તેનાથી લગાવો કે વર્ષ 2014માં ઘરેલૂ ગેસના એક સિલેન્ડરની કિંમત 410 રૂપિયા હતી,જે તે વધીને 1000 રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદીએ ઉજ્જવલા યોજનાના મહત્વને દર્શાવતા કહ્યું હતુ કે, જ્યારે એક ગરીબ ઘરની સ્ત્રી ચૂલો સળગાવીને પોતાના ઘરનું ખાવાનું બનાવે છે તો 400 સિગરેટ જેટલો ધૂમાડો પોતાની અંદર ખેંચી લે છે. મેં આ બધુ મારા બાળપણમાં દેખ્યું છે. ક્યારેક-ક્યારેક તો એવું થતું હતુ કે માં ખાવાનું બનાવતી હતી અને ધૂમાડાથી તેનો ચહેરો દેખાતો નહતો.

સમાજના નબળા વર્ગ અને હાંસિયા પર રહેલા વર્ગના લોકો સુધી રસોઈ ગેસ સિલેન્ડર પહોંચાડવા માટે સરકારે ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ શરૂઆતમાં ઘણી બધી સુવિધાઓ સાથે 18 વર્ષથી વધારે ઉંમરની વંચિત મહિલાઓને વર્ષભરમાં 12 સિલેન્ડર માટે દર ગેસ સિલેન્ડર ₹200 સબ્સિડી પર આપવામાં આવતો હતો.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 કરોડ કનેક્શન આપવામાં આવી ચૂક્યા છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલા જવાબ અુસાર તેમાંથી માત્ર 4 કરોડ 95 લાખ ગ્રાહકોએ વર્ષ 2022માં ત્રણ અથવા ત્રણથી વધારે રસોઈ ગેસ સિલેન્ડરનો ઉપયોગ કર્યો. એટલે અડધા ગ્રાહકોએ ત્રણ અથવા ત્રણથી ઓછા ગેસ સિલેન્ડરનો ઉપયોગ કર્યો છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે, ભારતમાં ગરીબી કેટલી છે? રસોઈ ગેસની કિંમત વધતા ગરીબ વર્ગ પર ખતરનાક માર પડે છે.

સરકારે રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો છે કે, દેશભરમાં રસોઈ ગેસના લગભગ 0 કરોડ 90 લાખ ગ્રાહક છે. લગભગ બે કરોડ ગ્રાહકોએ નાણાકીય વર્ષ 2022માં એકપણ સિલેન્ડર ખરીદ્યો નથી.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ સરકાર તરફથી રાજ્યસભામાં રસોઈ ગેસને લઈને આ લેખિત જાણકારી આપી છે.

(9:14 pm IST)