Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પત્ની પિયરથી પરત ના આવતા દારૂના નશામાં ધૂત યુવક ટાવર પર ચઢી ગયો: પટકાતા હાલત ગંભીર

મધ્ય પ્રદેશના ખરગોનનો વિડિઓ વાયરલ : યુવકને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા

મધ્ય પ્રદેશના ખરગોનમાં જ્યારે એક વ્યક્તિની પત્ની તેના પિયરથી પરત ન આવી, ત્યારે તે દારૂના નશામાં 60 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગયો. આ દરમિયાન તેનો હાથ લપસી ગયો અને તે સીધો નીચે પડી ગયો. નીચે પટકાતા યુવકની હાલત ગંભીર બની હતી અને તેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે યુવકને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે. યુવકની હાલત જોઈ પરિવારજનોની હાલત કફોડી બની ગઈ છે. યુવકની માતા અને બહેન કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. ટાવર પરથી નીચે પડતા યુવકનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

મામલો ખરગોનના ઉન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘોટિયા ગામનો છે. પિન્ટુ 23 વર્ષનો છે અને અંબાપુરાનો રહેવાસી છે. વ્યવસાયે મજૂર પિન્ટુ શનિવારે સાંગવી ટાવર પર ચઢ્યો હતો. જ્યારે તે ટાવર પર ચઢી રહ્યો હતો ત્યારે તેણે દારૂ પીધો હતો. નશામાં ને નશામાં તે ટાવર પર ચઢી ગયો. આ જોઈને ત્યાં ઉભેલા લોકોએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી. તે જ સમયે પિન્ટુ પડી શકે છે તેવી લોકોને ધારણા હતી. લોકોએ હોબાળો મચાવ્યો અને પછી તેને સમજાવીને નીચે ઉતરવાનું કહ્યું.

વ્યક્તિની આ હરકતને જોવા માટે ટાવર નીચે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસને પણ બોલાવી હતી. પોલીસે તેને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તે માન્યો નહોતો. આખરે થોડી વાર પછી તેનો હાથ લપસી ગયો અને તે સીધો 60 ફૂટ નીચે પડ્યો. તે પડતાની સાથે જ હંગામો મચી ગયો હતો. લોકોએ તેને ઉતાવળમાં ઉપાડ્યો અને જિલ્લા હોસ્પિટલ દોડી ગયા. અહીં ડોક્ટરોએ તેમને ICUમાં દાખલ કર્યા. યુવકને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. ડોક્ટરોએ યુવકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો છે.

 

(10:53 pm IST)