Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

૪૮ લાખની છેતરપિંડીના સંદર્ભે કોન્સ્ટેબલની સહકર્મી સામે ફરિયાદ

કસ્ટમમાંથી સસ્તી ગાડી અપાવવાની લાલચે ઠગાઈ : ભાભી કસ્ટમ ઓફિસર હતા તેઓ નવી ગાડીઓ અને બાઈક ટેક્સ વિના અપાવી શકે છે એમ કહીને છેતરપિંડી

મુંબઈ, તા.૧ : બાંદ્રામાં માતોશ્રી પાસે આવેલી પ્રોટેક્શન બ્રાંચના એક કોન્સ્ટેબલે તેના સહકર્મી અને કસ્ટમ્સ ઓફિસર ફ્રેન્ડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કથિત રીતે કસ્ટમ્સમાંથી આઠ ગાડીઓ ભારે ડિસ્કાઉન્ટ સાથે અપાવવાની લાલચ આપીને કોન્સ્ટેબલ અને તેના આઠ સંબંધીઓ સાથે ૪૮ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ખેરવાડી પોલીસે ગણેશ સરવડે અને તેના મિત્ર યોગેશ આહીરે સામે છેતરપિંડી, ફોર્જરી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્રની ફરિયાદ નોંધી છે. હાલ પોલીસે આ બંને શખ્સોને શોધી રહી છે.

પ્રોટેક્શન બ્રાંચમાં ફરજ બજાવતા અમોલ ચવાણનો આરોપ છે કે, ૨૦૨૧માં ગણેશ સરવડે સાથે તેની ઓળખાણ થઈ હતી અને તે પણ આ જ બ્રાંચમાં કાર્યરત છે. *ગણેશે અમોલની મુલાકાત યોગેશ આહીરે સાથે કરાવી હતી. તેણે જણાવ્યું હતું કે, યોગેશ અને તેની ભાભી કસ્ટમ ઓફિસર હતા અને તેઓ નવીનક્કોર ગાડીઓ અને બાઈક સસ્તા ભાવે ટેક્સ વિના અપાવી શકે તેમ છે. યોગેશે કેટલાય અધિકારીઓને આ રીતે કાર અપાવી છે. અમોલ ચવાણે જણાવ્યું કે તે ૨૨ લાખની કિયા સેલટોસ ખરીદવા માગે છે ત્યારે યોગેશે કહ્યું હતું કે, તે આ કાર તેને ૧૫ લાખમાં અપાવી દેશે કારણકે તે કસ્ટમ્સ ઓફિસર છે*, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું. અમોલ ચવાણે બુકિંગ અમાઉન્ટ પેટે ૨ લાખ રૃપિયા યોગશેને આપ્યા હતા. તેણે પોતાના સંબંધીઓને પણ સસ્તા ભાવે કાર લેવામાં રસ ધરાવે છે કે કેમ તેવું પૂછ્યું હતું.

યોગેશે કહ્યું હતું કે, તે મારુતિ અર્ટિગા સીએનજી ૭.૫ લાખ રૃપિયામાં અને હ્યુન્ડાઈ ઓરા સીએનજી ૬.૪ લાખ રૃપિયામાં અપાવી શકે છે. આ તરફ અમોલ ચવાણના ૧૦ સંબંધીઓએ તેને કાર બુક કરાવવા માટે કીધું હતું. યોગેશે આ સૌને સ્વરાજ

એન્ટરપ્રાઈઝના અકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા તેમણે ૭૦ ટકા રકમ જમા કરાવી હતી.

યોગેશે ૫૦ દિવસમાં બધી જ કારની ડિલિવરી થઈ જશે તેવો વાયદો આપ્યો હતો. પરંતુ ડેડલાઈન વીતી ગઈ છતાં કાર ના આવી અને યોગેશ નવી-નવી તારીખોના વાયદા આપતો રહ્યો. લોકડાઉન અને કોરોના મહામારીના બહાના યોગેશ આપીને તારીખો પાછી ઠેલવતો રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, અધિકારીઓએ નવી કાર ખરીદી છે અને તેમની ગાડીઓની ડિલિવરી પણ જલ્દી જ થઈ જશે.

સપ્ટેમ્બર ૨૦૨૦માં યોગેશે અમોલ ચવાણને કહ્યું હતું કે, કસ્ટમ્સે ખાસ્સા ટન લોખંડનો ભંગાર જપ્ત કર્યો છે અને હવે તેઓ તેનો નિકાલ કરી રહ્યા છે. જો તે તેમાં રોકાણ કરશે તો ૪૫ દિવસમાં સારું વળતર મળી જશે. અમોલે સંબંધીઓ અને મિત્રો પાસેથી ૩૦ લાખ રૃપિયાની વ્યવસ્થા કરીને યોગેશને આપ્યા હતા, તેમ પોલીસે જણાવ્યું.

*સપ્ટેમ્બરમાં યોગેશે ૨૦ લાખ રૃપિયાના બે ચેક આપ્યા હતા જે બેલેન્સ ના હોવાના કારણે રિટર્ન થયા હતા. અમોલે આ અંગે યોગેશને પૂછતાં તેણે કહ્યું કે તે રોકડની વ્યવસ્થા કરી રહ્યો છે. ૮૮.૫ લાખ રૃપિયામાંથી તેણે ટુકડા-ટુકડા કરીને ૩૦ લાખ અમોલને ચૂકવ્યા હતા. યોગેશે અમોલ અને તેના સંગા-સંબંધીઓ સાથે ૫૮ લાખ રૃપિયાની છેતરપિંડી કરી છે. અમોલે હ્લૈંઇમાં તેના સહકર્મી ગણેશ સરવડેનું નામ પણ લખાવ્યું છે*, તેમ પોલીસે ઉમેર્યું. પોલીસનું કહેવું છે કે યોગેશ ખરેખર કસ્ટમ્સ ઓફિસર છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે.

(8:00 pm IST)